દિલ્હીના રથને રોકતું સનરાઈઝર્સ
રિદ્ધિમાન સાહાએ ડેવિડ વોર્નર સાથે ધમાકેદાર શરૂઆત કરતા: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને ૮૮ રને હરાવ્યુ
આઇપીએલ ૨૦૨૦ની ૪૭મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને ૮૮ રને હરાવી હતી. આ પરાજયથી દિલ્હી કેપિટલ્સનો વિજય રથ અટકી ગયો છે. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરનો નિર્ણય પ્રથમ ૩૦ મિનિટમાં જ ખોટો સાબિત થયો હતો. જોની બેરસ્ટોના સ્થાને રમી રહેલા રિદ્ધિમાન સાહાએ ડેવિડ વોર્નર સાથે ધમાકેદાર શરૂઆત કરતાં સનરાઇઝર્સે ચાલુ સીઝનમાં પાવરપ્લેનો સર્વાધિક સ્કોર (૭૭ રન) રજિસ્ટર કર્યો હતો.
દિલ્હીના બોલર્સે જે પ્રકારે સાહા વિરુદ્ધ બોલિંગ કરી એ જોતાં લાગતું જ નહોતું કે તેણે ભારતીય વિકેટકીપર વિરુદ્ધ કોઈ હોમવર્ક કર્યું હોય. ક્રિકેઇન્ફોનો ડેટા આ વાતને ટેકો આપે છે. પોતાની ૪૫ બોલની ઇનિંગ્સ દરમિયાન તે ૫૦%થી વધુ એવા બોલ્સ રમ્યો જે સ્ટમ્પ પર આવતા હતા અથવા લેગ સ્ટમ્પની બહાર જતા હતા. ૮૭માંથી ૫૨ રન સાહાએ ફાઇન લેગ અને મિડવિકેટ એરિયાની વચ્ચે ફટકાર્યા હતા.
સાહા અને વોર્નર બંનેએ આ લય જાળવી રાખતાં પ્રથમ વિકેટ માટે ૧૦૭ રનની ભાગીદારી કરી.
સાહાએ લીગમાં પોતાની સાતમી ફિફટી ફટકારતાં ૪૫ બોલમાં ૧૨ ફોર અને ૨ સિક્સની મદદથી ૮૭ રન કર્યા. તેની ઇનિંગ્સ થકી હૈદરાબાદે ૨૧૯ રનનો વિશાળ સ્કોર કર્યો અને પછી સરળતાથી મેચ જીતી. સાહાને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ સ્ટાર સ્પિનર રશીદ ખાને માત્ર ૭ રન આપી કેપિટલ્સની મહત્વની વિકેટો અંકે કરી હતી.
સમાપક્ષે રહાણે અને હેટમેયરે બાજી સાંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે મેચ બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા.