ક્રિકેટ વિશ્વકપ કે જે ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે રમાવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય ટીમે તેના ૧૫ સભ્યોની સુચી અને યાદી બહાર પાડી છે. જેમાં રિષભ પંતને સમાવવામાં આવ્યો નથી. બીસીસીઆઈ દ્વારા એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે, જે કોઈ ખેલાડીને જો ઈજા થશે તો રિષભ પંત અને અંબાતી રાયડુને રિઝર્વ ખેલાડી તરીકે પણ રાખવામાં આવ્યા છે.
આ તકે વર્લ્ડકપ માટે ભારતીય ટીમના ચયન બાદ આઈપીએલની દિલ્હી કેપીટલના કોચ રીકી પોન્ટીંગે જણાવતા કહ્યું હતું કે, એ વાતનો આશ્ચર્ય થાય છે કે, ૧૫ સભ્યોની યાદીમાં રિષભ પંતને કેમ સમાવેશ કરવામાં આવ્યો નથી કારણ કે તે ભારતીય ટીમ માટે એકસ ફેકટર પણ સાબીત થઈ શકત. રિષભ પંતના ચયન ન થવા બાદ રીકી પોન્ટીંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેનું નામ ભારતીય ટીમમાં હશે કારણ કે તે ચોથા અને પાંચમાં ક્રમ પર બેટીંગ કરી શકવા સક્ષમ છે પરંતુ તેનું ચયન ન થતાં આશ્ચર્ય થઈ રહ્યું છે.
વધુમાં તેણે માહિતી આપતા જણાવ્યું હતું કે, તે સોમવારની રાત્રે રિષભ પંતને મળ્યો હતો અને તે નાસીપાસ પણ જોવા મળી રહ્યો છે પરંતુ તે વાત નકકર છે કે આવનારો સમય રિષભ પંતનો રહેશે અને જયારે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે તે સમય સુધીમાં તે બે થી ત્રણ વર્લ્ડકપ પણ રમી ચૂકયો હશે તે પણ એક નકકર વાત છે.
ધોનીની ગેરહાજરીમાં હૈદરાબાદે ચૈન્નઈને ૬ વિકેટે હરાવ્યું
ઈન્ડિયન પ્રિમીયર લીગ ૨૦૧૯ની ૩૩મી મેચમાં ચૈન્નઈ સુપર કિંગ્સના સુકાની સુરેશ રૈનાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. મહેન્દ્રસિંહ ધોનીને બેક પ્રોબલેમના કારણે તે મેચ રમી શકયો ન હતો ત્યારે ચૈન્નઈમાં ધોનીની જગ્યાએ સેમ બીલીંગ્સ અને મીચેલ સેન્ટનરની જગ્યાએ કર્ણ શર્માને રમાડવામાં આવ્યો હતો. જયારે હૈદરાબાદે પણ પોતાની ટીમમાં બે ફેર બદલ કર્યા હતા.
જેમાં રીકી ભુય અને અભિષેક શર્માની જગ્યાએ યુસુફ પઠાણ અને શાહબાજ નદીમને પણ રમાડવામાં આવ્યો હતો. ચૈન્નઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરના અંતે ૫ વિકેટ ગુમાવી માત્ર ૧૩૨ રન જ નોંધાવ્યા હતા જેમાં ચૈન્નઈ માટે ઓપનીંગ કરી રહેલા સેન વોટ્સન અને ડુપ્લેસીસે શાનદાર શરૂઆત આપતા ૯.૫ ઓવરમાં ૭૯ રન જોડયા હતા. ત્યારબાદ કોઈપણ બેટ્સમેન ઈનીંગ્સને સ્થીરતા આપી શકયા ન હતા.
ટીમમાં ડુપ્લેસીસે સર્વાધીક ૪૫ રન નોંધાવ્યા હતા. જેમાં હૈદરાબાદ તરફથી રસીદ ખાને બે વિકેટ ઝડપી હતી સાથો સાથ ખલીલ અહેમદ, શાહબાજ નદીમ અને વિજય શંકરે ૧-૧ વિકેટ ઝડપી હતી. ૧૩૩ રનનો પીછો કરતા સનરાઈઝ હૈદરાબાદે ૧૬.૫ ઓવરના અંતે ૪ વિકેટ ગુમાવી ૧૩૭ રન કર્યા હતા. જેમાં હૈદરાબાદ માટે ઓપનીંગ કરી રહેલા ડેવીડ વોર્નર અને જોની બેરેસ્ટ્રોએ અર્ધ સદી ફટકારી સરળતાથી મેચ જીતાડી હતી.
બેરેસ્ટ્રો દ્વારા ૪૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકારી ૬૧ રન કરી અણનમ રહ્યો હતો. જયારે ડેવીડ વોર્નરે ૨૪ બોલમાં પોતાની અર્ધ સદી ફટકારી હતી જેમાં ૧૦ ચોગ્ગાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચૈન્નઈ સુપર કિંગ્સ માટે ઈમરાન તાહીરે ૨ વિકેટ ઝડપી હતી જયારે દિપક ચહલ અને કર્ણ શર્માએ ૧-૧ વિકેટ લીધી હતી.