ચાની લારીમાં કામ કરતા શ્રમીકની મજાક મસ્તી કરવાની ના પાડતા બંને શખ્સોએ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
રાજકોટ શહેરમાં જાણે કાયદો અને વ્યસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ ગુના ખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે. શનિવારે રૈયાધાર વિસ્તારમાં રિક્ષાચાલક યુવાનની પૂર્વ સાળાએ ચોથા માળેથી ધકકો મારી હત્યા કર્યાનો બનાવ બન્યા બાદ હત્યાની વધુ એક ઘટના શહેરમાં સામે આવી છે. 80 ફુટ રોડ પર બાપુનગર સ્મશાન પાસે ગઈકાલે સાંજના સમયે ચાના થડે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાનની બે શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. જેમાં મૃતક યુવાન ચાના થડે ગયો હતો ત્યારે ત્યાં કામ કરતા શ્રમિકની મસ્તી કરવા બાબતે ઝગડો થતા બે શખ્સોએ તેને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓને ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર બાપુનગર સ્મશાન પાસે ગઈકાલ સાંજના સમયે હનીફ યુસુફભાઈ જુણેજા (ઉ.વ.42)નામના યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેથી ઈજાગ્રસ્ત યુવાનને તાકિદે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતા ભકિતનગરના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, રાઈટર નિલેશ મકવાણા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. તત્કાળ આરોપીઓ અંગે માહિતી મેળવી પોલીસે બેની ધરપકડ કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ હત્યાનો ભોગ બનનાર હનિફ જંગલેશ્વરના પ્રણામીચોકમાં મહેશ્વરી સોસાયટીમાં રહેતો હતો અને રીક્ષા ચલાવતો હતો.
તે અવાર- નવાર પરસાણા સોસાયટી મેઈન રોડ પર આવેલી મતવા માલધારી નામની હોટલે ચા પીવા જતો હતો. જ્યાં ગઈકાલ સાંજે પણ તે ત્યાં ચા પીવા ગયો હતો.તે વખતે ચાની હોટલમાં કામ કરતા સુલતાને તેની મશ્કરી કરી તોછડો જવાબ દેતા બંને વચ્ચે માથાકુટ થઈ હતી. પરીણામે ચાની હોટલના માલિક આરીફ ઈબ્રાહીમ મતવા અને તેનો ભાઈ સોયબ (રહે. બંને જંગલેશ્વ2) વચ્ચે પડતા ઝઘડો વધ્યો હતો. પરીણામાં આવેશમાં આવી આરીફે હનિફના ડાબા પગના સાથળના આગળના ભાગે અને પાછળના ભાગે છરીના ચાર ઘા ઝીંકી દીધા હતા. જયારે તેના ભાઈ સોયબે ચા બનાવવાના મોટા તાવીથાથી હુમલો કર્યો હતો.
લોહીલુહાણ હાલતમાં હનિફને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા રસ્તામાં દમ તોડી દીધો હતો. હનિફે માથાકુટ થઈ ત્યારે ઘર નજીક રહેતા અને ભંગારનો ધંધો કરતા નાનાભાઈ રફીકને કોલ કરી માથાકુટ થયાની જાણ કરી હતી. જેથી રફીક સ્થળ પર દોડી ગયો હતો. પરંતુ તે પહેલા જ હનીફ ઉપર હુમલો કરી ફરાર ચુકયો હતો.ભકિતનગર પોલીસ રફીકની ફરિયાદ પરથી ખુન સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને સકંજામાં લઈ તપાસ આગળ ધપાવી છે. બંને આરોપીઓ ગણતરીની મીનીટોમાં પોલીસના સકંજામાં આવી ગયા હતા.હત્યાનો ભોગ બનનાર હનિફ ત્રણ ભાઈમાં મોટો હતો. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમજ યુવાન રીક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે. યુવાનની પત્નીની પણ બે વર્ષ પૂર્વે હત્યા થઇ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.જેથી યુવકના મોતથી સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
મૃતક રિક્ષા ચાલક યુવાનની પત્નીની બે વર્ષ પહેલાં હત્યા થઈ’તી
મૃતક રિક્ષા ચાલક યુવાનની પત્નીની પણ 2020 માં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. યુવાનની હત્યા ચા બાબતે થઈ જ્યારે તેમની પત્નીની હત્યા પાણી બાબતે કરવામાં આવી હતી. મૃતક યુવાનની પત્ની મુમતાઝની જુન 2020 માં ગાંધીગ્રામ પાસેના નાણાવટી ચોક, આરએમસી કવાર્ટરમાં તેમાં દેરાણી સબાનાબેનને પાડોશમાં રહેતા હુસેન ઢીંગી તેની પત્ની જીન્નત, પુત્રી નાઝમીન અને પુત્રએ સદામે કુકરના ઢાંકણા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. દરમિયાન બચાવવા માટે મુમતાઝબેન હનીફભાઈ જુણેજા (ઉ.વ.38) વચ્ચે પડતા તેમણે છરીનો ઘા ઝીંકી દેતા બે દિવસની સારવાર બાદ મુમતાઝબેનનું મોત થતાં બનાવ હત્યામાં પલટાયો હતો.જેથી હાલ યુવાનની હત્યા થતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.