• મોરબી રોડ પર લોખંડના પાઇપ વડે હુમલો કરાયો : રીક્ષા ચડાવી દેવાનો પ્રયત્ન પણ કરાયો

રાજકોટ શહેરમાં રીક્ષાગેંગનો તરખાટ વધી રહ્યાના અહેવાલ સામે આવી રહ્યા છે. શહેરના મોરબી રોડ વિસ્તાર પર હોટલના કર્મચારીનું પાકીટ ચોર્યા બાદ રીક્ષા ગેંગે બે હોટેલના કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મામલામાં બી ડિવિઝન પોલીસે રીક્ષા ચાલક સહીત ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શહેરના મોરબી રોડ પર આવેલી હોટલ ક્રાફ્ટલ પ્લાઝામાં મેનેજર તરીકે નોકરી કરતા જયપાલસિંહ વિરેન્દ્રસિંહ જાણ નામના ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત તારીખ 23 ફેબ્રુઆરીના રાત્રિના આશરે 9:00 વાગ્યાની આસપાસ તેઓ અને તેના મિત્ર મનોજકુમાર ચંદ્રપાલસિંહ જાણ કુવાડવા રોડની ડી માર્ટની બાજુમાં આવેલ શ્રી ટેલિકોમ નામની મોબાઇલની દુકાને મોબાઈલ ખરીદ કરવા ગયા હતા. જ્યાંથી ખરીદી કર્યા બાદ તેઓ ગ્રીનલેન્ડ ચોકડી સુધી ચાલીને પહોંચ્યા બાદ બેડી ચોકડીએ આવેલી તેમની હોટલ ખાતે જવા માટે તેમણે સીએનજી રીક્ષા કરી હતી. સીએનજી રીક્ષામાં અગાઉથી રીક્ષા ચાલક સહિત કુલ ચાર શખ્સો સવાર હતા. જે રિક્ષામાં બેસીને ફક્ત 500 મીટર સુધી ગયા બાદ રીક્ષા ચાલકે રીક્ષાની સીટ તૂટી ગયેલ હોય તેવું કહી તેમને રોડ પર ઉતારી દીધા હતા.

રીક્ષા ચાલક રીક્ષા લઈને જતા રહ્યાની થોડી સેકન્ડોમાં જ મનોજ કુમારે કહેલ કે, મારું પર્સ રિક્ષામાં પડી ગયેલ છે જેથી પાછળ આવતી અન્ય એક રીક્ષામાં બેસી તેઓ પાછળ ગયા હતા. આગળ જતા રીક્ષાનો ભેટો થઈ ગયો હતો ત્યારે મનોજકુમારએ પોતાનું પાકીટ રિક્ષામાં પડી ગયેલ હોય તેવું કહેતા ઉશકેરાઈ ગયેલા રીક્ષા ચાલક અને તેની સાથેના અન્ય ત્રણ અજાણ્યા ઇસમો રીક્ષામાંથી ઉતરી ગયેલા હતા અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગેલ હતા. ચારેય શખ્સોએ ભેગા મળીને મનોજકુમારને ઢીકા પાટુનો માર્યો હતો. જે બાદ લોખંડના પાઇપ વડે માથા સહિતના ભાગે માર મારવામાં આવ્યો હતો.

જે બાદ વધુ મારથી બચવા માટે મનોજકુમાર દોડવા લાગેલ હતો જેની પાછળ ફરિયાદી દોડતા હોય. મનોજકુમાર પર પાછળથી રીક્ષા માથે ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મનોજકુમાર ખસી જતાં ફરિયાદીના જમણા પગ પરથી રીક્ષાનું ટાયર પસાર થતાં અંગૂઠામાં ઇજા પહોંચી હતી. જે બાદ રીક્ષા ચાલક સહિતના શખ્સો ત્યાંથી નાશી છૂટ્યા હતા. જે બાદ મનોજકુમાર રસ્તા પર બેભાન અવસ્થામાં મળી આવતા આસપાસના લોકો એકત્ર થઈ જતા તેમને સારવાર અર્થે 108 મારફત સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બેભાન અવસ્થામાં રહેલ મનોજ કુમારની હાલ સારવાર ચાલી રહી છે.

હાલ પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી આઇપીસીની કલમ 307 સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને રિક્ષા ગેંગને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.