શહેરમાં ઈન્દીરા સર્કલ પાસે આવેલા નિલકંઠનગર મેઈન રોડ પરના માધવમ હાઈટસમાં રહેતાં દુબઈ રીર્ટન મહિલા સાથે રિક્ષા ચાલકે સોનું ખરીદી કરી આપવાના નામે રૂ.3.22 લાખની છેતરપિંડી કર્યા હોવાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
મહિલાએ પતિની સારવાર માટે સોનું રિક્ષા ચાલકને વેંચતા છેતરી ગયો : યુનિવર્સિટી પોલીસમાં નોંધાતો ગુનો
વિગતો મુજબ ઈન્દીરા સર્કલ પાસે આવેલા નિલકંઠનગર મેઈન રોડ પરના માધવમ હાઈટસમાં રહેતાં દુબઈ રીર્ટન ડિમ્પલબેન જગડા (ઉ.વ.48) એ રૂા.3.22 લાખની છેતરપીંડી ગાંધીગ્રામ- 2 પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં રિક્ષા ચાલક યોગેશ અશોકભાઈ જીલકાનું નામ આપ્યું હતું જેમાં ડિમ્પલબેને જણાવ્યું છે કે તેના પતિ દુબઈમાં પ્રાઈવેટ નોકરી કરે છે. પતિ સાથે અવાર-નવાર રાજકોટ આવે છે.
પતિને પગની તકલીફ હોવાથી સારવાર કરાવવા માટે રાજકોટ આવેલા છે. ત્રણેક માસ પહેલાં રિક્ષા શોધતા હતા ત્યારે રિક્ષા ચાલક યોગેશ સાથે પરિચય થયો હતો. જેણે કહ્યું કે તેની ચાર-પાંચ રિક્ષા છે. કયારેય રિક્ષાની જરૂરિયાત હોય તો કોલ કરજો તેમ કહી તેના મોબાઈલ નંબર આપ્યા હતા. સાથો-સાથ સોનું વેચવું હોય તો જણાવવા પણ કહ્યું હતું.પતિની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાથી તેના ખર્ચ માટે પૈસાની જરૂર હોવાથી સોનું વેંચવાનું નકકી કર્યું હતું.
યોગેશે આ માટે કહ્યું હોવાથી તેને વાત કરતા ગઈ તા.30 ઓકટોબરના રોજ તેના ઘરે આવ્યો હતો. જયાં સોનું વેચવા માટે વાતચીત કરી હતી. તે વખતે યોગેશે સોનાની ગુણવત્તા ચેક કરાવવાની વાત કરી તેને રૈયા ટેલીફોન એક્ષચેંજ પાસેની ગોલ્ડ પર લોન આપતી કંપનીમાં આવવાનું કહ્યું હતું. જયાં યોગેશ સોનું લઈ ગયો હતો. ઘણાં સમય સુધી પાછો આવ્યો ન હતો. પરત આવતાં કેમ વાર લાગી તેમ પૂછતાં કહ્યું કે તેની લોનની પ્રોસેસ ચાલુ હોવાથી વાર લાગે તેમ છે. થોડી વાર બાદ સોનાના દાગીનાના પૈસા માંગતા યોગેશ ગુસ્સે થઈ કહ્યું કે તમને જો ભરોસો ન હોય તો હું તમને ચેક આપું. ત્યારબાદ રૂા.3.72 લાખનો ચેક
આપ્યો હતો. થોડી વાર બાદ સોનાના દાગીનાના પૈસા પોતાના ખાતામાં જમા થઈ ગયાનું કહી બીગબજાર પાસેના એટીએમમાં લઈ ગયો હતો. જયાંથી રૂા.50 હજાર કાઢી આપ્યા હતા. બાકીના પૈસા સાંજે આપવાની વાત કરી હતી. જોકે સાંજે પૈસા આપ્યા ન હતા. એટલું જ નહીં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી નાખતા છેતરાઈ ગયાનો અહેસાસ થતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.