જીઇબી અને કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં ૨૩થી વધુ છેતરપિંડી કર્યાની કબુલાત: ૪૨,૬૭૦ રોકડા, ૩ મોબાઇલ, બાઇક અને નંબર પ્લેટ કબ્જે
શહેરમાં જીઇબી અને કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં વીજ મીટર બદલવા અને હાઉસ ટેકસ વસુલ કરવાના બહાને છેતરપિંડી કરતા ભેજબાજ ‘ઠગ’ને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી પૂછપરછ કરતા તેને રાજકોટ, અમદાવાદ, ભાવનગર, સુરત, જૂનાગઢ, ગોંડલ અને વેરાવળ સહિતના શહેરોમાં ૨૩ જેટલા સ્થળે લાખોની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે. પોલીસે તેની પાસેથી રૂ ૪૨,૬૭૦ રોકડા, ૩ મોબાઇલ, બાઇક, પાના અને જુદી જુદી નંબર પ્લેટ કબ્જે કરી છે. વ્યાજના ચક્રમાં ફસાતા રિક્ષા ચલાવવાનું છોડી છેતરપિંડીના ગુના કરવાનું શરૂ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરતા ભાવનગર બોળ તળાવ વિસ્તારના કિશોર રમેશ મકવાણા નામનો શખ્સ રાજકોટના અમીન માર્ગ પર ઠગાઇ કરવાના ઇરાદે આવ્યાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. મહાવીરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ભરતભાઇ વનાણી, ફિરોજભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા અને યોગીરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે અમીન માર્ગ પર વોચ ગોઠવી કિશોર રમેશ મકવાણાને ઝડપી લીધો હતો.
કિશોર રમેશ મકવાણાની પૂછપરછ દરમિયાન તે ભાવનગરમાં રિક્ષા ચલાવતો હતો ત્યારે વ્યાજના ચક્રમાં ફસાતા રાતોરાત ધનાઢ્ય બનાવના સપના જોતો હતો તે દરમિયાન ભાવનગરમાં વીજ કનેકશન બદલવાની કામગીરી પુર જોશમાં ચાલતી હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ રિક્ષામાં વીજ મીટર બદલવા જતાં તે કંઇ રીતે મકાન માલીક પાસેથી મીટર બદલવાના પૈસા વસુલ કરતા તે શિખી લીધા બાદ પોતે જીઇબીના અધિકારીના સ્વાંગમાં જઇ વીજ મીટર બદલવાના બહાને ઠગાઇ કરવાનું શરૂ કર્યુ હતું.
ભાવનગરમાં ચાર સ્થળે અને અમદાવાદમાં એક સ્થળે જીઇબીના અધિકારીના સ્વાંગમાં ઠગાઇ કરતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલમાં અન્ય કેદીઓના સંપર્કમાં આવ્યો ત્યારે તેની પાસેથી કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં કંઇ રીતે છેતરપિંડી કરી શકાય તે શિખી લીધા બાદ રાજકોટમાં આવી અનેક વિસ્તારમાં ફરીને કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં હાઉસ ટેકસ વસુલ કરી છેતરપિંડી કરવાનું શરૂ કર્યાની કબુલાત આપી છે.
કિશોર રમેશ મકવાણા નવા બંધાતા મકાનનો સર્વે કરી મકાનમાં પુ‚ષ સભ્ય હાજર ન હોય ત્યારે જઇ કોર્પોરેશનના પટેલ સાહેબ તરીકે પોતાની ઓખળ આપી મહિલા સભ્યના મોબાઇલમાંથી પુ‚ષ સભ્ય સાથે વાત કરી મોબાઇલ કટ કરી નાખ્યો હોવા છતાં પોતે તેનો પરિચીત હોવાનો ઢોંગ કરી મહિલા પાસેથી મોટી રકમ ટેકસના બહાને પડાવી રફુચકકર થઇ જતો હોવાની કબુલાત આપી છે. રાજકોટમાં છેતરપિંડી કરવા આવતો ત્યારે તે જુદી જુદી હોટલમાં રોકતો અને ઠગાઇ કર્યા બાદ હોટલ ચેક આઉટ કરી જતો રહેતો હોવાથી પોતે બીજા દિવસે કંયા સીસીટીવી ફુટેજમાં ન દેખાત તેવી તકેદારી રાખતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
કિશોર રમેશ મકવાણાએ નાના મવા શાસ્ત્રીનગર, વિષ્ણુ વિહાર, અક્ષર માર્ગ, મવડી રોડ, માધાપર ચોકડી પાસે, રૈયા રોડ, નાના મવા રોડ પરની સોસાયટી, યુનિર્વસિટી રોડ, ક્રિષ્ટલ મોલ પાછળ, કુવાડવા રોડ, નંદી પાર્ક, મારવાડી બિલ્ડીંગ પાસે, સામાકાંઠે મોલ તેમજ અમદાવાદ અને જૂનાગઢમાં કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં રૂ.૧૭,૮૬, ૫૦૦ની છેતરપિંડી કર્યાની કબુલાત આપી છે.કિશોર રમેશ મકવાણા છેતરપિંડીના વધુ ગુનામાં સંડોવાયો હોવાની
શંકા સાથે પોલીસે તેને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કર્યો છે.
છેતરપિંડીનો ભોગ બનેલાઓને પોલીસને રજૂઆત કરવા અપીલ
શહેરના જુદા જુદા વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીના સ્વાંગમાં હાઉસ ટેકસ વસુલ કરવાના બહાને છેતરપિંડી કરતા કિશોર રમેશ મકવાણાની ઠગાઇનો ભોગ બન્યા હોય તેઓએ પોલીસના રજૂઆત કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનુરોધ કરી તેઓના નામ ગુપ્ત રાખવાની ખાતરી આપી છે.