રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓના અભાવે કે અન્ય કારણોસર બંધ પડેલા શૈક્ષણિક સંકુલોની દયનીય પરિસ્થિતિ, ક્યાંક-ક્યાંક આવા સંકુલોમાં અસામાજીક પ્રવૃતિઓનું દૂષણ વધી રહ્યું છે ત્યારે સરકારી સંકુલોનો સદ્ઉપયોગ કરીને રાજ્ય સરકારે એક નવો રાહ ચિંધવો જોઈએ
સૌનો સાથ… સૌનો વિકાસ… વિકાસના મુદ્રાલેખ સાથે તરક્કીની રાહ પર આગળ વધી રહેલા ગુજરાતનો વહીવટ અને સુશાસન સમગ્ર દેશ માટે જ્યારે રોલ મોડેલ બની રહ્યું છે ત્યારે રાજ્યની જાહેર સંપતિનો સદ્ઉપયોગ થવો જોઈએ. રાજ્યમાં અત્યારે શિક્ષણનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે ત્યારે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંકુલો વચ્ચે થયેલી શરૂ થયેલી સ્પર્ધામાં રાજ્યના દરેક વર્ગના વાલીઓમાં પોતાના સંતાનોને ઉચ્ચકોટીનું શિક્ષણ મળી રહે તે માટેની ઉભી થયેલી જાગૃતિને લઈ ખાનગી શિક્ષણ સંકુલોનો રાતે ન થાય તેવો દિવસ અને દિવસે ન થતો હોય તેવો રાતે વિકાસ થઈ રહ્યો છે તેવા સંજોગોમાં રાજ્યના શિક્ષણ વિભાગની અનેક શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓની સમસ્યા અને સેટઅપના અભાવે બંધ થઈ ચૂકેલી શાળા સંકુલોની ઈમારતોનો અન્ય કામમાં ઉપયોગ કરવામાં આવે તો જાહેર સંપતિ જેવી સરકારી ઉજ્જડ બનેલી શાળાઓને સજીવન કરી શકાય.
વિધાનસભામાં રાજ્યની શૈક્ષણિક સંકુલો અંગેની પરિસ્થિતિમાં આપેલી વિગતોમાં રાજ્યમાં કુલ 3353 શાળાઓ જર્જરીત અવસ્થામાં અને ઓરડામાં શૈક્ષણિક કાર્ય શકય ન હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જર્જરીત શાળાઓના સમારકામની વ્યવસ્થા કરવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓના અભાવે કેટલીક શાળાઓ બંધ કરવી પડી છે. આવી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભાવે શિક્ષણ કાર્ય ચાલતુ નથી. રાજકોટની બંધ શાળાઓની પરિસ્થિતિમાં વિરપુર ગ્રામ પંચાયત અને શ્રીનાથગઢ ગ્રામ પંચાયતની શાળા જર્જરીત હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું.
રાજ્યમાં અનેક સરકારી શાળા અને શૈક્ષણિક સંકુલો અપુરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કારણે ઉજ્જડ બની ગઈ છે. શિક્ષણ વિભાગ અને સરકારી માર્ગ, મકાન મંત્રાલયમાં સરકારી બિનઉપયોગી ભવનોના વૈકલ્પીક ઉપયોગની કોઈ જોગવાઈ ન હોવાથી અનેક સરકારી શાળા સંકુલો કે જે બજાર કિંમતે કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાની સરકારી અસકયામતો ગણાય તેવા શૈક્ષણિક સંકુલો ઉજ્જડ બની ગયા છે. નાના મોટા શહેરો અને ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં બંધ પડેલી સરકારી શાળાઓની મિલકતો સામાજીક દુષણનો ભોગ બનતી નજરે પડે છે. કરોડો-અબજો રૂપિયાની સરકારી મિલકતો જેવી શાળાઓ વપરાશ વગર જર્જરીત થઈને નામશેષ થવા જઈ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ અને સરકારના વિવિધ વિભાગના સંકલનથી જો રાજ્યની ઉજ્જડ બની ગયેલી શાળાઓના વૈકલ્પીક ઉપયોગની પ્રથાનો અમલ કરે તો જર્જરીત બિનઉપયોગી શાળા અન્ય પ્રવૃતિ માટે ઉપયોગી બની શકે.
નાના-મોટા શહેરોમાં અને જ્યાં જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકોના અભાવે સરકારી શાળા સંકુલો બંધ અવસ્થામાં છે ત્યાં તંત્રને અંધારામાં રાખી સ્થાનિક આવારા તત્ત્વો અને અસામાજીક તત્ત્વો પોતાની અનૈતિક પ્રવૃતિ માટે શાળાઓનો દૂરઉપયોગ કરવાની વાત વારંવાર નાગરિકોની ફરિયાદના રૂપે બહાર આવે છે ત્યારે વિકાસના પર્યાય એવા ગુજરાત સરકારના અભિગમ જેવા વહીવટમાં રાજ્યની બિનઉપયોગી શાળાઓનો સદ્ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
સરકારી શૈક્ષણિક સંકુલોનો હવાલો શિક્ષણ મંત્રાલયની સાથે સાથે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને રાજ્યના મકાન વિભાગ પાસે મોટાભાગે હોય છે ત્યારે સરકારના વિવિધ વિભાગોના સંકલનથી શૈક્ષણિક પ્રવૃતિ જ્યાં ન થતી હોય તેવા શૈક્ષણિક સંકુલોનો સદ્ઉપયોગ કરવાની હવે તાતી જરૂર છે. દેશભરમાં હવે પીપીપીના ધોરણે અનેક રચનાત્મક પ્રવૃતિને સામાજીક સેવાના કામો થઈ રહ્યાં છે ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોના શિક્ષકો અને વિદ્યાર્થીના અભાવે જ્યાં જ્યાં સરકારી શાળા તથા શૈક્ષણિક સંકુલો બિનપ્રવૃતિમય બનીને ઉજ્જડ અવસ્થામાં પહોંચી ગયા છે ત્યાં સરકારી શાળાઓની ઈમારતોનો વૈકલ્પીક ઉપયોગ કરવો જોઈએ. શૈક્ષણિક સંકુલોનો વૈકલ્પીક ઉપયોગોમાં પોલીસ ચોકીઓ, આરોગ્ય કેન્દ્રો અને સ્થાનિક ધોરણે જે જે વિભાગોને પોતાની સ્વાયત કચેરીનો અભાવ વર્તાતો હોય તેવા વિભાગો માટે બિનઉપયોગી શાળાઓના દરવાજા ખોલી દેવા જોઈએ. ખાનગી રાહે ચાલતા સાર્વજનિક ટ્રસ્ટોની શૈક્ષણિક પ્રવૃતિ અને શિક્ષણ સંલગ્ન પ્રવૃતિઓ માટે પણ બિનઉપયોગી શાળાઓનો ઉપયોગ થઈ શકે. રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવે છે ત્યારે શૈક્ષણિક બિનઉપયોગી સંકુલોમાં સ્ટે હોમ જેવી સુવિધા અને પ્રવાસીઓ માટે ઉતારાની વ્યવસ્થા પણ ઉભી કરી શકાય. અત્યારે બિનઉપયોગી શાળાઓ ખંઢેર બનીને સરકારના વિવિધ વિભાગો પર મેન્ટેનન્સ ખર્ચનો બોજ બની રહી છે તેવા સંજોગોમાં સરકારી શાળાનો વૈકલ્પીક ઉપયોગ કરીને જર્જરીત બનતી ઈમારતોને સુરક્ષીત કરી શકાય અને વૈકલ્પીક આવકના સ્ત્રોતો પણ ઉભા થઈ શકે છે. ગુજરાતમાં સંખ્યાબંધ સરકારી શાળા સંકુલો વિદ્યાર્થીઓને શિક્ષકોના અભાવે બંધ કરી દેવામાં આવી છે. આ તમામ શૈક્ષણિક સંકુલોનો જો વૈકલ્પીક ઉપયોગ કરવામાં આવે તો સરકારી સંકુલોનો દૂરઉપયોગનું દુષણ અટકે અને બરબાદ થતી મિલકતોનો સદઉપયોગ થાય.
ગુજરાતમાં વિકાસને વરેલી વિજયભાઈ રૂપાણીની સરકાર ક્રાંતિકારી અને નવા રચનાત્મક વિચારોના અમલીકરણ માટે જાણીતી છે ત્યારે રાજ્યની બિનઉપયોગી શાળાઓનો સદ્ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરી ગુજરાતે એક આગવી કેડી કંડારવાનો સમય પાકી ગયો છે.