કોરોનાના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે હેતુથી મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય
ધો.૭થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓ આવતીકાલથી દરરોજ એક-એક કલાક ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અને અભ્યાસ કરી શકશે : કોરોનાના કહેર વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો દેશભરમાં પ્રથમ વિદ્યાર્થીલક્ષી નિર્ણય
ટીવી ચેનલના માધ્યમથી નિષ્ણાંત શિક્ષકો ધો.૭ થી ૯માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી તથા ધો.૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનું કરાવશે પુનરાવર્તન
કોરોનાની દહેશત વચ્ચે હાલ શાળા કોલેજો બંધ છે. ત્યારે આગામી દિવસોમાં ધો.૭થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી છે અને આ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દેશભરમાં પ્રથમ નવતર વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે પ્રાદેશિક ટીવી ચેનલમાં રિવિઝનનું પ્રસારણ કરવામાં આવશે. જેના ઉપરથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા પરીક્ષાની તૈયારી ખૂબ સરળતાથી કરી શકશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય લીધો છે. અનેક રાજ્યોમાં હાલ શાળા- કોલેજો બંધ છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ જોખમમાં મુકાયો છે. ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ સરળતાથી પુરી તૈયારી સાથે પરીક્ષા આપી શકે તેવા અશયથી રાજ્ય સરકારે વચ્ચેનો રસ્તો શોધી કાઢ્યો છે. જેમાં રાજ્યના ધોરણ ૭ થી ૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને મહત્વના વિષયોનું રિવિઝન-પૂનરાવર્તન જે તે વિષય નિષ્ણાંત શિક્ષકોની મદદથી ગુજરાતી પ્રાદેશિક ટી.વી ચેનલ્સ દ્વારા કરાવવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઘેર બેઠાં ટી.વી ચેનલના માધ્યમથી વિષયોનું રિવિઝન અભ્યાસ કરી શકશે. આવતીકાલ ગુરૂવાર તા. ૧૯ માર્ચથી દરરોજ ૧-૧ કલાકનું ઓનલાઇન શિક્ષણ ટી.વી ચેનલ્સ દ્વારા અપાશે જેમાં ધોરણ-૭ થી ૯ માં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયોનું વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ અપાશે. ધોરણ-૧૧માં ફિઝીકસ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેથ્સ, એકાઉન્ટન્સીના વિષયોનો અભ્યાસ વિષય નિષ્ણાત શિક્ષકો કરાવશે.
હાલ શાળા કોલેજો બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણકાર્યને ગંભીર ખલેલ પહોંચશે તેવી વિદ્યાર્થીઓ તથા વાલીઓને ભીતિ હતી. પરંતુ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નવતર અભિગમથી હવે વિદ્યાર્થીઓના અભ્યાસને કોઈ અસર પહોંચશે નહિ. વિદ્યાર્થીઓ પ્રાદેશિક ટીવી ચેનલ જોઈને રિવિઝન કરીને સરળતાથી પરીક્ષા આપી શકશે.