નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. આ પરિક્રમામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાતો આવ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે. જેમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ દ્વારા આયોજનના ભાગરૂપે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા અર્થે અને ખૂટતી કડીઓને પુરવા આજે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કલેક્ટર એસ.કે.મોદીએ જણાવ્યું કે, પંચકોશી નર્મદા પરિક્રમા નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી શરૂ થઈને શહેરાવ ઘાટ, તિલકવાડા મણીનાગેશ્વર મંદિર, રેંગણઘાટ, કીડીમંકોડી ઘાટ થઈને પરત રામપુરા આવી શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરીને ૧૪ કિમીની પરિક્રમા પુર્ણ કરે છે. આ સમગ્ર રૂટ પર સલામતી માટે પુરતો પોલીસ બંદોબસ્ત, રાત્રિ દરમિયાન લાઈટની સુવિધા, તમામ ઘાટ પર ફાયર બ્રિગેડની વ્યવસ્થા, પદયાત્રિકો માટે પાણી, છાંયડો, સેવાકેન્દ્રો અને ડોમની વ્યવસ્થા, પુરતા પ્રમાણમાં બોટ અને લાઈફ જેકેટની વ્યવસ્થા હાલમાં વિવિધ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓને કોઈ આરોગ્યલક્ષી સુવિધાની જરૂર જણાય તો સ્થળ પરથી પ્રાથમિક સારવારની તમામ દવાઓ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા સહિત જિલ્લાના જે – તે અધિકારીઓને સંબંધિત જવાબદારી સોંપવામાં આવી છે. તે એજન્સીઓના સંકલનમાં રહીને સમય મર્યાદામાં પૂર્ણ કરી રિપોર્ટિંગ કરવા ઉપર ભાર મૂક્યો હતો.
વધુમાં કલેક્ટરએ ઉમેર્યું કે, આ પવિત્ર પરિક્રમાનું મહત્વ કાયમ જળવાય રહે તે માટે સ્વચ્છતા બાબતે ખાસ કાળજી લેવાની રહેશે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી પરિક્રમા પથ ઉપર કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ થાય, પરિક્રમા પથ ઉપર વિવિધ સ્થળોએ ટોયલેટ બ્લોક મૂકવામાં આવનાર છે તેની પણ સ્વચ્છતા જળવાય, નર્મદા નદીમાં મગરનો ભય રહેતો હોવાથી પરિક્રમાર્થીઓ નદીમાં ન ઉતરે અને વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવેલી સ્નાન માટેની સુવિધાનો ઉપયોગ થાય તે જોવા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ પરિક્રમાના સુચારૂ આયોજન અમલવારી માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પરિક્રમાના નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ.ના ડાયરેક્ટર જે. કે. જાદવ દ્વારા બેઠક દરમિયાન રચનાત્મક સૂચનો કર્યા હતા અને ગત વર્ષોમાં યોજાયેલી પરિક્રમાના અનુભવો શેર કરી તેમાં વધુ સારી કામગીરી કરવા સૌને અનુરોધ કર્યો હતો. બેઠકમાં પરિક્રમાના આયોજકો, આશ્રમ સંચાલકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેઓના પણ મંતવ્યો લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાના સમગ્ર રૂટ ઉપર આસપાસના ગ્રામજનો, નર્મદા કિનારાના આશ્રમ સંચાલકો, સમાજસેવીઓ દ્વારા વિવિધ સ્થળોએ ભંડારા-સેવાકેન્દ્રો થકી પરિક્રમાર્થીઓ માટે સેવા પુરી પાડવામાં આવે છે. તેની સાથે આસપાસના ગામોના સખી મંડળના બહેનો પણ આર્થિક ઉપાર્જન મેળવી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા સ્ટોલ ફાળવણી અંગેની બાબતો આયોજન હેઠળ છે. આ બેઠકમાં ડોમ, બેઠક વ્યવસ્થા, બેરીકેટિંગ, સાઇન બોર્ડ, ટ્રાફિક, જિલ્લા કક્ષાના કંન્ટ્રોલ રૂમ, પાર્કિંગની વ્યવસ્થા તેમજ એજન્સીના માણસોનું સુપરવિઝન અને સુવિધા સહિત અહીં આવતા પરિક્રમાવાસીને કોઈપણ અગવડ ન પડે તે માટેની તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. હવે પરિક્રમા શરૂ થવાને ગણતરીના દિવસ બાકી છે ત્યારે તમામ કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા કલેક્ટરએ જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર સી. કે. ઉંધાડ, નાયબ કલેક્ટરઓ, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, પરિક્રમાના આયોજન સાથે સંકળાયેલા સાંવરિયા મહારાજ, નર્મદા નદી કિનારે આવેલા આશ્રમના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.