કલેક્ટર કચેરી ખાતે રાજકોટ અને મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટકો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક સંપન્ન
સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લા વહીવટીતંત્ર વતી ઉપસ્થિત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને આવકાર્યા હતા. ગત બેઠકની કાર્યવાહીનોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.
આ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી આવાસ યોજના, માર્ગ અને મકાન, નગરપાલિકા-મહાનગરપાલિકા, વાસ્મો, આરોગ્ય, શિક્ષણ, જિલ્લા સંકલિત બાલ વિકાસ યોજના, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોની યોજનાઓની ભૌતિક તથા નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી. સંસદસભ્ય કુંડારિયાએ તમામ યોજનાઓની ઝીણવટભરી માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. શૌચાલયો તથા રસ્તાઓના સમારકામ વિશે થઈ રહેલી કામગીરી અંગે સ્થળ પર જઈને હકીકતદર્શી અહેવાલ સરકારમાં રજૂ કરવા સંસદસભ્યએ સ્થળ પર જ અધિકારીઓને સૂચના આપી હતી.
મોરબી તથા રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં ચાલી રહેલ વિકાસકામોની ગામ પ્રમાણેની વિગતવાર યાદી સંસદ સભ્યશ્રીને મોકલવા કુંડારિયાએ અધિકારીઓને આદેશ આપ્યા હતા. વિવિધ યોજનાના લાભાર્થીઓનું પુનરાવર્તન ન થાય અને વધુ ને વધુ લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડી શકાય, તેવું આયોજન કરવા સંસદસભ્યશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયા, મોરબી કલેકટર જે.બી.પટેલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ તથા મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતાબેન જોશી, એડિશનલ કલેક્ટર ધાધલ તથા ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારીઓ સર્વ સિદ્ધાર્થ ગઢવી, પૂજા જટણીયા તથા વીરેન્દ્ર દેસાઈ, બંને જિલ્લાના ચીફ ઓફિસરો તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.