- સ્ટુડન્ટ પોલીસ કેડેટ, મહિલા સ્વરક્ષણ તાલીમ, ટ્રાફિક અવેરનેસ, સાયબર ક્રાઈમ જાગૃતિ સહિતના કાર્યોનો તાગ મેળવાયો
રાજ્યમાં તમામ નાગરિકો કોઈ પણ જાતના ભેદભાવ વગર શાંતિથી રહી શકે અને તમામને સમાન તકો મળે તેમજ પોલીસ અને પ્રજા વચ્ચે માહિતી અને વિચારો તેમજ કાર્યવાહીનું સંકલન કરી પોલીસની કામગીરી પરીણામલક્ષી બને તે હેતુથી કાર્યરત સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરવામાં આવી છે. ત્યારે આજરોજ રેન્જ આઈજીઅશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં સુરક્ષા સેતુ સોસાયટીના કમિટીના સભ્યો તેમજ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણેની ઉપસ્થિતિમાં રાજકોટ ગ્રામ્ય કક્ષાની સમીક્ષા બેઠકમાં વર્ષ દરમ્યાન કરવામાં આવેલી વિવિધ કામગીરીની માહિતી રજુ કરવામાં આવી હતી.
નાયબ રેન્જ આઈ.જી. જયપાલસિંહ રાઠોરે કામગીરીનો રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું હતું કે, સ્ટુડન્ટ પોલીસ કેડેટ અંતર્ગત જિલ્લામાં 19 એકમમાં જુદી જુદી શાળાઓમાં વર્ષ 2023-24 માં માં 1576 કેડેટ્સને વિવિધ તાલીમ પુરી પાડવામાં આવી હતી. જેમાં સમર કેમ્પમાં શિસ્ત સહિતના વિવિધ ગુણો કેળવાય તે માટે પરેડ, યોગ અને વ્યાયામ થકી માનસિક અને શારીરિક રીતે કેડેટસને મજબૂત કરવાની પ્રવૃત્તિ, વિશિષ્ટ પ્રતિભાઓને બોલાવી તેઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટેના કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, રમત ગમતો થતી માનસિક શારીરિક કૌશલ્ય નિખરે તે માટે પણ બહુવિધ કાર્યક્રમો કરવામાં આવે છે.
મહિલાઓ માટે સ્વરક્ષણની તાલીમ અંતર્ગત વર્ષ 2023-24 માં 6815 મહિલાઓને બેઝિક તાલીમ, 1197 મહિલાઓને એડવાન્સ તાલીમ તેમજ 460 મહિલાઓને તિરંદાજીની તાલીમ આપવામાં આવી હતી. બાળકો પોલીસ સ્ટેશનની કામગીરીથી પરિચિત થાય અને નિર્ભીકપણે પોલીસ સાથે સંવાદ સાધી શકે તે માટે પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવે છે, જેમાં વર્ષ 2023-24 જુદી જુદી શાળાઓના 1600 જેટલા બાળકોએ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે.
ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો અંતર્ગત વર્ષ 2023-24 માં ટ્રાફિક જાગૃતિ નિયમોના પેમ્પલેટ, ટ્રાફિક નિયમોનું પાલન સહિતના જનજાગૃતિના કાર્યક્રમ,સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત શાળા કોલેજ ખાતે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો માટે અવેરનેસના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યાં છે. ફરિયાદ માટે 1903 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબરનો પ્રચાર પ્રસાર કરવા માટે બોર્ડ, બેનર, સ્ટીકરના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા હાલમાં બહાર પડેલા ત્રણ નવા કાયદાઓનું ભારતીય ન્યાય સહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ભારતીય સાક્ષય અધિનિયમ 2023 અંગે 4000 થી વધુ વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લામાં સિનિયર સિટીઝનોને પડતી મુશ્કેલીઓ માટે તેઓનું કામ પોલીસ સ્ટેશન ખાતે કરી તેઓની નોંધણી કરવાની કામગીરી કરવામાં આવી હતી. સાથે સુરક્ષા સેતુ દ્વારા કરવામાં આવેલ ખર્ચની વિગતો જયપાલસિંહ રાઠોરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરી હતી.
આ બેઠકમાં સુરક્ષા સેતુ સોસાયટીના સભ્યો પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, ભાનુભાઇ મેતા, મીનાક્ષીબેન સોજીત્રા, પંકજભાઈ ચાવ, ધીરુભાઈ કોરાટ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, આર.ટી.ઓ., પ્રાદેશિક માહિતી કચેરી સહીત વિવિધ વિભાગના અધિકારીઓ તેમજ પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
પોલીસ પ્રજાના મિત્ર બની સમાજ ઉપયોગી કાર્યો કરી સુખ શાંતિનું સર્જન કરે: અશોકકુમાર યાદવ
સુરક્ષા સેતુ સોસાયટી – રાજકોટ ગ્રામ્યની બેઠકમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે ગ્રામ્ય પોલીસને તાકીદ કરતા જણાવ્યું હતું કે, પોલીસ પ્રજાની મિત્ર બની સંવેદનશીલતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પ્રજાલક્ષી અને સમાજ ઉપયોગી કાર્યો કરીને સમાજમાં સુખ-શાંતિનું સર્જન કરે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રજાનો પોલીસ પર વિશ્વાસ વધુ દ્રઢ બને તેના માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે.