રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વાદળછાયું વાતાવરણ: સવારે ઝાકળવર્ષા સાથે ઠંડીનો ચમકારો: રવિ પાકને નુકસાનીની ભીતિ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની ઘડીઓ વચ્ચે મિશ્ર ઋતુનો દૌર ચાલી રહ્યો છે. હોળાષ્ટક પૂર્વે અચાનકથી વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે ત્યારે હાલ ત્રણેય ઋતુનો અહેસાસ થતો હોય તેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા ચાર દિવસથી લઘુતમ અને મહતમ તાપમાન સામાન્ય વધારા-ઘટાડા સાથે સવારે અને રાત્રે ફુલ ગુલાબી ઠંડી અને ગરમીનો માહોલ જળવાય રહ્યો છે.
રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશન અને વેસ્ટન ડિસ્ટબન્સના લીધે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયભરનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને ૨૪ કલાકમાં જ ઋતુનાં ત્રિવિધ રંગો જોવા મળ્યા હતા. આ દરમિયાન અનેક વિસ્તારોમાં વહેલી સવારે ૬૫ થી ૮૦ ટકા ભેજ સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને રોડ-રસ્તા પર ઝાકળવર્ષા ફરી વળી હતી. આજે વહેલી સવારે રાજકોટમાં ઝાકળવર્ષા સાથે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. પોરબંદર, ભુજ, નલીયા, કંડલા, અમરેલી સહિત ઠેર-ઠેર આવો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ હજુ આજે આખો દિવસ વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે વાતાવરણ વાદળીયું રહેશે તેમજ અમદાવાદ, બરોડા અને સુરત સહિતનાં શહેરોમાં માવઠુ પડે તેવી શકયતા સેવાઈ રહી છે. હજુ આગામી બે અઠવાડિયા એટલે કે હોળી-ધુળેટી સુધી મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે.
હાલ રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સનાં કારણે રાજયભરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાદળછાયા વાતાવરણને લઈને જગનો તાત ચિંતામાં મુકાયો છે. ખાસ તો રવિ પાક અને કેરીના પાકને વાદળછાયા વાતાવરણનાં કારણે નુકસાન થાય તેવી ભીતિ સર્જાઈ છે જોકે બપોર થવાની સાથે જ અસહય ગરમી થતા લોકો પરેશાનીમાં મુકાયા છે અને શરદી, તાવ સહિતની બિમારીઓ ઘર કરી ગઈ છે. આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી અને મહતમ તાપમાન ૩૫ ડિગ્રી ઉપર પહોંચ્યું હતું જોકે હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સોમવાર બાદ ગરમીનું પ્રમાણ ૨ થી ૩ ડિગ્રી વધશે અને હોળી-ધુળેટી સુધી લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થાય તેવી શકયતા જોવા મળી રહી છે.
કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાયો
હોળીનો તહેવાર નજીક આવે છે ત્યારે અવનવા રંગોનો રંગાવા લોકો થનગની રહ્યા છે. વર્ષોથી લોકાને ઉપયોગી એવા કેસુડાના મહત્વને જાણીએ શિયાળો ઉતરે અને ઉનાળાની ઋતુ બેસે એટલે હવામાનમાં ફેરફાર થાય અને તેની અસર લોકોને થાય છે. ઋતુ પરિવર્તનમાં શરીર પર થતી અસરને હળવી કરવા માટે કેસુડો એક ઉપયોગી વૃક્ષ છે તેના ફૂળને પાણીમાં નાખી નહાવાથી રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય છે.
શિયાળો પૂરો થાય અને ઉનાળો ચાલુ થાય એ બે ઋતુ વચ્ચે આવતું એક પર્વ એટલે હોળી-ધૂળેટી કુદરતી રંગ બનાવવા માટે વપરાતો કેસુડો એક ભારતીય ઔષધીથી કમ નથી તેના ત્રણ પાંદડાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે સરખામણી કરવામાં આવે છે. કેસુડો દેશમાં બધી જગ્યામાં જોવા મળે છે.
તેના ફૂલની વાત કરીએ તો ઘાટા કેસરી અને લાલ રંગના હોય છે. વસંતઋતુથી શરૂઆતમાં જ તેના ઝાડ પર ખાનખર ઋતુ આવતાજ આખુ ઝાડ ફૂલોથી ઝગમગી ઉઠે છે. સીમવગડામાં તમામ વૃક્ષો પર પાનખર આવે એટલે તમામના પાન ખરી જાય અને એકમાત્ર કેસુડો જ એવો છે જેનું વૃક્ષ શોળે કળાએ ખીલે છે.
ઓષધીય ઉપયોગ: કેસુડાની વાત કરીએ તો તે એક ખૂબજ સારી ઔષધી છે. જેમને નાકમાંથી અથવા મળમુત્રમાંથી રકતસ્ત્રાવ થતો હોયતે લોકોએ કેસુડા છાલનું ચૂર્ણ બનાવી શાકર સાથે ભેળવીને દરરોજ પીવું જોઈએ આમ કરવાથી રકતસ્ત્રાવ દૂર થાય છે. અને હાડકા પણ મજબૂત થાય છે.
જેમને લોહી અને પિત્તના વિકારનો રોગ છે તેવા લોકોએ કેસુડાની છાલનું ચૂર્ણ બનાવી તેને પાણીમાં મિકસ કરીને ઉકાળો કરીને પીવું જોઈએ.
હાલના સમયમાં મોટાભાગનાં લોકોને નંબર અને આંખને લગતી સમસ્યા હોય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા કેસુડાના તાજા ફૂલનું એક ટીપું રસ આંખમાં નાખવામાં આવે તો ઝીણી આંખ, ખીલ, ફૂલી, મોતિવાબિંદ અને રતાંધળાપણું વગેરે પ્રકારનાં આંખના રોગો ઠીક થઈ શકે છે.
જેમને પેટમાં જીવાતની સમસ્યા હોય તોણે કેસુડાના બીજ, કબીલા, અજમો, વાવડીંગ, જાસાત, કારમાનીને થોડા થોડા પ્રમાણમાં લઈને ઝીણી વાટીને મીકસ કરી દો આ મિકસ વસ્તુને ૩ ગ્રામ ગોળ સાથે સેવન કરવાથી પેટમાં થતી જીવાત દૂર થશે.
શરીર પર જે જગ્યાએ સોજો ચડયો હોય તે જગ્યાએ કેસુડાના ફૂલની પોટલી બનાવીને આ જગ્યા ઉપર બાંધી દેવાથી થોડા જ સમયમાં સોજો ઉતરી જશે.