પ્રમોશન, સિનિયોરીટી યાદી, ફિકસ પગારની નીતિ સહિતનાં પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે રેવન્યુ કર્મચારીઓ લડતનાં માર્ગે
રાજયભરનાં મહેસુલ કર્મચારીઓએ પડતર પ્રશ્ર્ને આજથી લડતના માર્ગે પ્રયાણ કર્યું છે. જેમાં આજે મહેસુલ કર્મચારીઓએ માસ સીએલનો કાર્યક્રમ આપ્યો છે. જેના પગલે આજથી વહિવટી કામને ઘણી અસર થનાર છે. ઉપરાંત રાજયભરનાં રેવન્યુ કર્મચારીઓ આગામી તા.૧૧ને સોમવારથી અચોકકસ મુદતની હડતાલ ઉપર પણ ઉતરવાના છે.
ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા રેવન્યુ કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્ર્ને સરકાર સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આ પ્રશ્ર્નોનો કોઈ નિવેડો ન આવતા મહામંડળે આજે માસ સીએલનો કાર્યક્રમ તેમજ આગામી સોમવારથી હડતાલનું એલાન કર્યું છે. મહામંડળે માંગણી ઉઠાવી છે કે સીધી ભરતીના ના.મામ.ના પાંચ વર્ષનો કરારીય સમય પૂર્ણ થવા છતાં નિયમિત પગારના આદેશો થયેલ નથી.
જેથી જે કર્મચારીઓને પૂર્વ સેવા તાલીમાંત પરીક્ષા તેમજ નિમ્ન મહેસુલી લાયકાત પરીક્ષા પાસ કરેલ છે, પરંતુ પુરા પગારના આદેશો કરેલ નથી, તેમના પુરા પગારના આદેશો તાત્કાલિક કરવા સરકારના તા.૨૧/૫/૨૦૧૮ના હુકમથી કલાર્ક સંવર્ગના કર્મચારીને ના.મામ. કક્ષામાં પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં ફાળવેલ છે. જેથી આવા કર્મચારીઓને મુળ મહેકમના જિલ્લામાં મુકવા, કલાર્ક કે રેવન્યુ તલાટી સંવર્ગમાંથી ના.મામ.માં પ્રમોશન આપવા બાબત તથા વર્ષ-૨૦૦૯ની કલાર્કની બેંચના તમામ કલાર્કનો સમાવેશ કરવો, પ્રવરતા ક્રમ નં.૧૧૪૦ સુધીના ના.મામ.માંથી મામલતદારમાં પ્રમોશન આપવા, સીધી ભરતીની તમામ સંવર્ગના ના.મામ, કલાર્ક, રેવન્યુ તલાટીના પાંચ વર્ષનો કરારીય સમયગાળો પૂર્ણ થવા છતાં પૂર્વ સેવા તાલીમ તથા નિયત પરીક્ષાઓ નિયત સમયમાં સરકાર દ્વારા ન લેવાના કારણે તેઓના પુરા પગારના આદેશો થતા નથી.
જેથી આવા કર્મચારીઓના પાંચ વર્ષનો કરારીય સમયગાળો પૂર્ણ થયેથી નિયત તકમાં પરીક્ષા પાસ કરવાની શરતે પુરા પગારના હુકમ કરવા, સીધી ભરતીના ના.મામ.ઓની પૂર્વ સેવા પરીક્ષાનું પરીણામ તાકીદે જાહેર કરવું, ના.મામ.થી મામલતદારની સીનીયોરીટી યાદી તૈયાર કરવા, રેવન્યુ તલાટીની નવી ભરતી બંધ કરી રેવન્યુ તલાટી તથા કલાર્ક કેડરને મર્જ કરવા, નામ. ગુજરાત હાઈકોર્ટના ફીકસ પગાર નીતિ રદ કરવા બાબતના વર્ષ-૨૦૧૨માં આવેલ જજમેન્ટ સામે સરકાર દ્વારા નામ.સુપ્રિમ કોર્ટમાં કરેલ પીટીશન પરત ખેંચવા તથા નામ.ગુજરાત હાઈકોર્ટના ફિકસ પગાર નીતિ રદ કરવા બાબતના ચુકાદો સ્વિકારી તેની અમલવારી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
આજરોજ રાજયભરનાં મહેસુલ કર્મીઓએ માસ સીએલનો કાર્યક્રમ યોજયો છે જેમાં કર્મચારીઓ પોતાના કામથી અળગા રહેતા વહિવટી કામગીરીને નોંધાપાત્ર અસર થનાર છે. આ ઉપરાંત આગામી સોમવારથી રાજયભરનાં મહેસુલ કર્મચારીઓ બેમુદતી હડતાલ ઉપર ઉતરવાના છે ત્યારે ચુંટણીલક્ષી કામગીરીમાં પણ વહિવટી સાથે આ હડતાલની નોંધપાત્ર અસર પડવાની છે.