અચોક્કસ મુદતની હડતાલનો આજે પાંચમો દિવસ કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓના ધરણા યથાવત
મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે પાંચમો દિવસ છે. આજે પણ જિલ્લા કલેક્ટર કચેરીઓ બહાર ધરણાનો કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. ગત રોજ મહામંડળના હોદેદારોની મહેસુલ વિભાગના મુખ્યસચિવ સાથે મંત્રણા થઈ હતી. પરંતુ તે નિષ્ફળ નીવડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પડતર માંગણીઓનો ઉકેલ લાવવા મહેસુલી કર્મચારી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. અગાઉ ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા વર્ક ટુ રુલ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.
બાદમાં ગત તા. ૯થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવાનું એલાન કરી દેવામાં આવ્યું હતું. જેના પગલે રાજ્યભરના ૧૦ હજારથી વધુ નાયબ મામલતદાર અને ક્લાર્કએ ગત તા. ૯થી હડતાલ શરૂ કરી છે.
દરરોજ કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરીઓ ખાતે ઘરણા અને સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે.
આ દરમિયાન ગઈકાલે મહેસુલી કર્મચારીઓએ ગાંધીનગર ખાતે એકત્રિત થઈને વિશાળ રેલી અને મહાસભા યોજી હતી. વધુમાં મહામંડળના હોદેદારોની મહેસુલ વિભાગના મુખ્ય સચિવ પંકજ કુમાર સાથે મંત્રણા થઈ હતી.
પરંતું આ મંત્રણામા પ્રશ્નોના ઉકેલ માટે તૈયારી દર્શાવવામાં ન આવતા મંત્રણા નિષ્ફળ નીવડી હતી. આજે હડતાલનો પાંચમો દિવસ છે. ત્યારે અરજદારોની હાલત કફોડી બની છે. તમામ કચેરીઓ ખાલી હાલતમાં જોવા મળી રહી છે. તમામ વહીવટી કામ ઠપ્પ થઈ ગયા છે.