ગોંડલના ગુંદાળા ગામે આવેલ ગુંદાળા અને રાજકોટ સ્થિત ગિરાસદાર પરીવારની ખેતીની જમીનની કબજા ફેરની સ્થિતિનો ગેરલાભ ઉઠાવી ગેરકાયદેસર રીતે કબજો મેળવવાની માપણી એકત્રીકરણ કરી બિનખેતી કરી પ્લોટીંગનું વેચાણ કરી નાખવાના કેસમાં મહેસુલ વિભાગે બિનખેતી રદ કરવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત એવી છે કે, ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના ગિરાસદાર અનિરુઘ્ધસિંહ ઝાલા વિગેરેની રેવન્યુ સર્વે નં.૨૯/૨ પૈકીની ખેતીની કુલ જમીન એકર ૩-૧૫ ગુઠા આવેલ છે.
સામાવાળા ઉષા ડાયાભાઈ ઠુંમરે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ગુંદાળાવાળાએ ગુંદાળા ગામના રેવન્યુ સર્વે નં.૨૬ પૈકીની જમીન ખરીદ કરી તેની રેવન્યુ સર્વે નં.૨૯/૩ની જમીન કબજા ફેર હોવાનું જણાતા હોવા છતાં અનિરુઘ્ધસિંહ ઝાલાની માલિકીની રેવન્યુ સર્વે નં.૨૯/૨ ખેતીની જમીનની ચતુર દિશા ખોટી દર્શાવી રેવન્યુ ઓથોરીટીને ગેરમાર્ગે દોરી વેચાણ કરી નાખ્યું હતું. અનિરુઘ્ધસિંહ ઝાલા વગેરેએ જિલ્લા અધિકારી રાજકોટને લેખિતમાં ફરિયાદ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ શિવમ ઈન્ડસ્ટ્રીઝની ઔધોગિક ૩૦,૮૫૭ ચો.મી.માં થયેલી બિનખેતી હુકમ રીવીઝનમાં લેવા મહેસુલ વિભાગના અગ્રસચિવ અમદાવાદને સુઓ મોટો દરખાસ્ત કરી હતી.
સદરહું કેસમાં મહેસુલ વિભાગના અગ્રસચિવ સમક્ષ અનિરુઘ્ધસિંહ પક્ષકાર તરીકે જોડાયા હતા અને તેમના વતી એડવોકેટ દિપકકુમાર ડી.મહેતા અને રાજેન્દ્ર એચ.ઝાલાએ દલીલ રજુ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી તપાસ કમિટી દ્વારા રજુ થયેલી વિવિધ અભિપ્રાયો અને પંચરોજ કામોને ધ્યાનમાં લઈ મહેસુલ વિભાગના અગ્રસચિવ જે.બી.વોરાએ જિલ્લા વિકાસ અધિકારી રાજકોટ દ્વારા તુષાર ઠુંમરના નામથી કરાયેલી બિનખેતીનો હુકમ રદ કરવાનો આદેશ આપ્યો છે.