પૂ. અપૂર્વમુની સ્વામીએ તણાવ મુક્ત જીવન અને જય વસાવડાએ કર્મણ્યેવાધિકા રસ્તે વિષય ઉપર આપ્યું વક્તવ્ય : ઇન્ચાર્જ કલેક્ટર અનિલ રાણાવસિયા અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ પણ કર્મચારીઓને સંબોધી મહત્વનું માર્ગદર્શન પુરૂ પાડ્યું
રામકૃષ્ણ આશ્રમ ખાતે આજે મહેસુલી કર્મચારીઓ અને અધિકારીઓની ચિંતન શિબિર યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા ભરના મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિ રહી હતી. આ શિબિરમાં અનેક જાણીતા વક્તાઓએ મહત્વના વિષયો ઉપર પ્રવચનો આપ્યા હતા. સરકારી કામમાં હંમેશા વ્યસ્ત રહેતા મહેસુલી સ્ટાફે આજે આ કાર્યક્રમને મનભરીને માણીને હળવાશ અનુભવી હતી.
રામકૃષ્ણ આશ્રમ ખાતે વિવેક ઓડિટોરિયમમાં આજે સવારે ૮:૩૦ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ આર્ટ ઓફ લિવિંગના ડો.હેમાંગ જાની દ્વારા પ્રાણાયામ અને યોગાભ્યાસ અંગે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. બાદમાં ધોળકીયા સ્કૂલના બાળકોએ ગણેશ સ્તુતિ અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. બાદમાં ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. બાદમાં મહેમાનોનું પુસ્તકરૂપી ભેટ આપી સ્વાગત કરાયું હતું. સ્વાગત પ્રવચન તેમજ ચિંતન બેઠકની રૂપરેખા અધિક જિલ્લા કલેક્ટર પરિમલ પંડ્યા દ્વારા રજૂ કરવામાં આવી હતી. બાદમાં ઇન્ચાર્જ કલેક્ટર અનિલ રાણાવસિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. ત્યારપછી બીએપીએસના પૂ..અપૂર્વમુની સ્વામીએ તણાવ મુક્ત જીવન વિષય ઉપર, લેખક તથા મોટીવેશનલ સ્પીકર જય વસાવડા દ્વારા કર્મણ્યે વાધિકા રસ્તે વિષય ઉપર, રામકૃષ્ણ આશ્રમના વેદનિષ્ઠાનંદજી સ્વામી દ્વારા સેવાનું મહત્વ વિષય ઉપર, બ્રહ્મકુમારી સંસ્થાના અંજુદીદીએ ટાઈમ મેનેજમેન્ટની કળા વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું. આ સાથે કાર્યક્રમના અંતિમ તબક્કામાં રૂડાના મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રાએ આર.ટી.આઈ. ૨૦૦૫ કાયદાની સરળ સમજ આપી હતી. આ સાથે શહેર-૨ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સરકારી ફરજમાં નિષ્ઠા વિષય ઉપર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાદમાં ધોરાજી પ્રાંત અધિકારી જી.વી. મિયાણીએ આભારવિધિ કરી હતી. આ શિબિરને જિલ્લાભરના મહેસુલી અધિકારીઓ અને કર્મચારીઓએ માણી હતી.