ગત વર્ષની સરખામણીએ આજ સુધીમાં વાહન વેરા પેટે રૂ.૬ કરોડની વધુ આવક
વાહનના શોખીન રાજકોટવાસીઓએ કોર્પોરેશનની તિજોરી છલકાવી દીધી છે. છેલ્લા ૧૧ માસ દરમિયાન શહેરમાં ૫૫,૮૨૬ વાહનોનું વેચાણ થયું છે જેના થકી મહાપાલિકાને વાહન વેરા પેટે ૧૫ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. જે ગત વર્ષની સરખામણીએ ૬ કરોડથી પણ વધુ છે.
ગત ૧લી એપ્રિલ ૨૦૧૮થી ૧૧ માર્ચ ૨૦૧૯ સુધીના સમયગાળામાં રાજકોટ શહેરમાં કુલ ૫૫,૮૨૬ વાહનોનું વેચાણ થયું છે. જયારે બીજા ક્રમે પેટ્રોલ સંચાલિત ફોર વ્હીલર વાહનોનું વેચાણ થયું છે. ૧૧ માસમાં ૫૪૨૫ પેટ્રોલ સંચાલિત મોટરકાર સહિતના ફોર વ્હીલરોનું વેચાણ થયું છે. સૌથી વધુ પેટ્રોલ સંચાલિત ટુ-વ્હીલર વાહન ૪૫,૧૩૬ વેચાયા છે. વાહન વેરા પેટે મહાપાલિકાને આજ સુધીમાં રૂ.૧૫ કરોડની આવક થવા પામી છે.
ગત વર્ષે આજ દિન સુધીમાં વાહન વેરા પેટે મહાપાલિકાને રૂ૯ કરોડની આવક થઈ હતી. આ વર્ષે ગત વર્ષ કરતા વાહન વેરા પેટે થનારી આવકમાં ૬ કરોડનો માતબર વધારો નોંધાયો છે. ચાલુ નાણાકીય વર્ષને આડે હજી એક પખવાડિયું બાકી હોય વધુ ૧ કરોડ રૂપિયાની આવક થવાની સંભાવના છે. આમ આ વર્ષે વાહન વેરા પેટે મહાપાલિકાને રૂ૧૬ કરોડની આવક થાય તેવી સંભાવના ટેકસ બ્રાંચના સુત્રો વ્યકત કરી રહ્યા છે.