ચૂંટણી ફરજ પરનાં કર્મચારીઓની હેરફેર માટે સ્થાનિક એસટી તંત્રએ ૨૨૦ બસો ફાળવી હતી: રાજકોટ કલેકટર તંત્રએ રૂ.૨૨.૨૦ લાખ, સુરેન્દ્રનગર કલેકટરે રૂ.૫૪ લાખ, મોરબીમાં રૂ.૪.૫૦ લાખ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ.૬ લાખ જમા કર્યા
ગઈકાલે જ રાજકોટ સહિત ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓનો તબકકો પૂર્ણ થયો છે. ગઈકાલે ઠેર-ઠેર ઉત્સાહભેર મતદાન લોકોએ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીઓમાં ફરજ બજાવવા માટે હજ્જારો સરકારી કર્મચારીઓને બે દિવસથી રોકી લેવામાં આવ્યા હતા. આ કર્મચારીઓને બુથ સુધી લઈ જવા અને ત્યાંથી આવવા માટે તંત્ર દ્વારા એસટી બસોની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રાજકોટ સહિત રાજયભરમાં આવી અસંખ્ય એસટી બસોને કર્મચારીઓની હેરફેર માટે રોકી લેવામાં આવી હતી.
આ બસોને કર્મચારીઓની હેરફેર માટે રોકી લેવાતા જે તે જિલ્લા કલેકટર તંત્રએ એસટી તંત્રને કાયદેસરનું ભાડુ પણ આપી દીધું હતું. રાજકોટ એસટી ડિવિઝનની જ વાત કરીએ તો રાજકોટ એસટી વિભાગે પણ રાજકોટ લોકસભાની બેઠકમાં ફરજ બજાવનાર ૯૦૦૦ જેટલા કર્મચારીઓની હેરફેર માટે ૨૨૦ જેટલી બસોની ફાળવણી કલેકટર તંત્રને કરી હતી. કલેકટર તંત્રએ આ બસોના ભાડાનું ચુકવણુ પણ એસટી વિભાગને કરી દેવાયાનું જાણવા મળેલ છે.
આ અંગેની રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ એસટી વિભાગે કલેકટર તંત્રના માગ્યા મુજબ ૨૨૦ બસો ગત સોમવારે કલેકટર તંત્રને કર્મચારીઓની હેરફેર માટે ફાળવી દીધી હતી. એસટી તંત્ર દ્વારા આ બસો ફાળવાતા કલેકટર તંત્ર દ્વારા પણ રાજકોટ એસટીને ભાડાપેટે રૂ.૮૭.૧૦ લાખથી વધુનું ચુકવણુ કરી દીધાનું જાણવા મળેલ છે.
આ અંગેની એસટી વિભાગના વર્તુળોમાંથી મળતી વધુ વિગતો મુજબ બસોના ભાડાપેટે રાજકોટ કલેકટર તંત્રએ રૂ.૨૨.૬૦ લાખ, સુરેન્દ્રનગર કલેકટર તંત્રએ રૂ.૫૪ લાખ અને મોરબી કલેકટર તંત્રએરૂ.૪.૫૦ લાખ અને રાજકોટ ગ્રામ્ય પોલીસે રૂ..૬ લાખની ચૂકવણી એસટી તંત્રને કરી દીધેલ છે. આમ રાજકોટ એસટી વિભાગને કુલ ૨૨૦ બસોની ફાળવણી થકી ભાડા પેટે કુલ રૂ..૮૭.૧૦ લાખની આવક થયાનું રાજકોટ એસટી વિભાગના સુત્રોમાંથી જાણવા મળેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસટી વિભાગ દ્વારા જુદા જુદા સરકારી કાર્યક્રમો અંતર્ગત વારંવાર બસોની ફાળવણી કરવામાં આવે છે અને આવી બસોની ફાળવણી થકી એસટી વિભાગને વધારાની કમાણી થાય છે. રાજકોટ એસટી વિભાગને છેલ્લા બે દિવસ દરમિયાન જ ચૂંટણીમાં બસો ફાળવાતા રૂ..૮૭ લાખ જેટલી જંગી રકમની આવક થઈ ગઈ હતી.