એનિમલ હેલ્પ લાઈન, કરૂણા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને તપસ્વી સ્કૂલના છાત્રોએ રૂબરૂ આવી મેયર ડો.પ્રદિપ ડવને અભિનંદન પાઠવ્યા
રાજકોટના રાજમાર્ગો પરથી નોનવેજના હાટડાઓ હટાવવા અને ઈંડાની લારીઓનું દુષણ દૂર કરવા માટે પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા શરૂ કરવામાં આવેલા અભિયાનની માત્ર રાજકોટ શહેરમાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના સીમાડાઓ વટાવી અન્ય દેશોમાં પણ સરાહના થઈ રહી છે.
દરમિયાન આજે વડોદરામાં એક સરકારી કાર્યક્રમમાં રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ રાજમાર્ગો પરથી નોનવેજના હાટડાઓ દૂર કરવા અને ઈંડાની લારીઓ હટાવવા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ બદલ મેયર ડો.પ્રદિપ ડવને શુભેચ્છા પાઠવી હતી. આજે એનિમલ હેલ્પલાઈન અને કરૂણા ફાઉન્ડેશનના હોદ્દેદારો તથા તપસ્વી સ્કૂલના બાળકોએ રૂબરૂ કોર્પોરેશન કચેરીએ આવી મેયરને શુભકામના સહઅભિનંદન પાઠવ્યા હતા.
જીવદયાપ્રેમીઓના શહેર ગણાતા રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી નોનવેજના હાટડા અને રાજમાર્ગો પર ઈંડાની રેંકડીઓ માથાના દુ:ખાવા સમાન બની ગઈ હતી. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવે દૂષણને દૂર કરવા માટે અભિયાન શરૂ કર્યું છે. રોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઈંડાની રેંકડીઓ હટાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દાયકાથી જે વિસ્તારોમાં ઈંડાની રેંકડી અને નોનવેજના હાટડાનું દુષણ ઘર કરી ગયું હતું ત્યાં પણ હવે રાજમાર્ગ એકદમ ક્લીયર કરાવી નાખવામાં આવ્યા છે.
આજે વડોદરા ખાતે યોજાયેલા એક સરકારી કાર્યક્રમમાં રાજ્ય સરકારના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ એવું નિવેદન આપ્યું હતું કે, રસ્તા પર લારીઓનું દબાણ પર લેન્ડ ગ્રેબિંગ સમાન છે. ઈંડા અને નોનવેજની લારીઓનું દબાણ ન હોવું જોઈએ. ફૂટપાથ પર ધંધો કરવાનો કોઈને અધિકાર નથી ફૂટપાથ માત્ર રાહદારીઓ માટે જ છે. ઈંડાની લારીઓમાંથી નિકળતા ધુંમાડાથી લોકોના આરોગ્યને નુકશાન થાય છે. આ દુષણને દૂર કરવા માટે રાજકોટ અને વડોદરાના મેયરને મહેસુલ મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
મેયર ડો.પ્રદિપ ડવ દ્વારા શરૂ કરવામાં આવેલા આ મહાઅભિયાનની સર્વત્ર સરાહના થઈ રહી છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજયોમાંથી પણ તેઓને અભિનંદન આપવા માટે ફોન સતત રણકી રહ્યાં છે. દુબઈ સહિતના દેશોમાં વસવાટ કરતા જીવદયાપ્રેમીઓએ પણ મેયરને આ કાર્ય માટે શુભકામના પાઠવી હતી. દરમિયાન આજે સવારે કરૂણા ફાઉન્ડેશન, એનીમલ હેલ્પલાઈનના હોદ્દેદારો અને તપસ્વી સ્કૂલના છાત્રોએ મેયરને અભિનંદન પાઠવી તેઓને તેમના પર ગર્વ હોવાનું જણાવતા પ્લેકાર્ડ બતાવ્યા હતા. ખરેખર મેયરે નોનવેજના હાટડા અને ઈંડાની લારીઓના દૂષણને નેસ્તનાબૂદ કરવા માટે શરૂ કરેલા અભિયાનની 100 ટકા અને સજ્જડ અમલવારી થાય તો રાજકોટની રોનક ખરાઅર્થમાં દીપી ઉઠશે.
રાજમાર્ગો પર ખુલ્લેઆમ વેંચાતા મટનના હાટડા બંધ કરાવનાર મેયર ડો. પ્રદિપ ડવને જૈન સંતોના આશિર્વાદ
રાજકોટમાં રાજ માર્ગો પર મંદિરમાં નજીકમાં માંસહારના ન્યુસનસને અટકાવવા વર્ષોથી રાજકોટ જૈન સમાજની લાગણી હતી કે રાજકોટ શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર માંસ અને મટનનું વેંચાણ ખુલ્લેઆમ થતું હતું, મુખ્ય માર્ગો પરથી હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે. તેમજ આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળો આવેલા છે.
વર્ષોથી કોઇપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ધમધમતા નોનવેજના હાટડાઓને બંધ કરાવવાનો પ્રજાલક્ષી નિર્ણય રાજકોટનાં લાખો લોકોના આરોગ્ય માટે પણ આ નિર્ણય ખુબ સરસ પ્રજાલક્ષી નિર્ણય રાજકોટના પ્રથમ નાગરીક મેયર ડો. પ્રદીપ ડવ દ્વારા લેવામાં આવ્યો છે.
જીવદયાના આ સત્કાર્ય મેયર ડો. પ્રદીપ ડવનો આભાર જાગનાથ જૈન સંઘના સર્વે ટ્રસ્ટીઓ દિનેશભાઇ પારેખ, હેમેન્દ્રભાઇ શાહ, દિનેશભાઇ શાહ, પ્રફુલભાઇ શાહ તથા જૈન અગ્રણી મયુરભાઇ શાહએ આભાર વ્યકત કર્યો છે.
પ.પૂ. આ. ભગવંતી યશોવિજય સુરી મ.સા.એ પણ ખુબ ખુબ આશીર્વાદ પાઠવ્યા છે. જાગનાથ સંઘ પ્રમુખ દિનેશભાઇ પારેખની યાદીમાં જણાવેલ છે.