સરકારે ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળની માંગણીઓ સ્વીકારતા મામલો થાળે પડયો
રાજયભરમાં ટેકાના ભાવે થઈ રહેલી મગફળી ખરીદીમાં મહેસુલી કર્મચારીઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવતા ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ઉભી થાય તો જવાબદારીમાં ફીકસ થઈ શકે તેમ હોવાની દહેશત વ્યકત કરીને ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા તમામ જિલ્લાના કર્મચારીઓને એમએસપી કામગીરીનો બહિષ્કાર કરવા આદેશ કરાયો હતો. બાદમાં આજે સરકારે મહામંડળની માંગણીઓ સ્વીકારી લેતા મામલો થાળે પડયો છે. મહેસુલી કર્મચારીઓ આજથી મગફળી ખરીદીની કામગીરીમાં જોડાઈ ગયા છે. હવે મહેસુલી કર્મચારીઓને માત્ર ખરીદીની કામગીરીમાં મોનીટરીંગ જ કરવાનું રહેશે. રાજકોટ જિલ્લા સહિત રાજયભરના ૧૨૨ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. આ ખરીદીની પ્રક્રિયામાં કામગીરી માટે મહેસુલી કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. તેમાં પણ મહેસુલ વિભાગના નાયબ મામલતદારો પાસે વિશાળ પ્રમાણમાં કામગીરી હોવા છતાં આ એક વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઉપરાંત આ પ્રકારની કામગીરીનો કોઈપણ અનુભવ ન હોવાથી નાયમ મામલતદારો અવઢવમાં મુકાયા હતા. મહેસુલી કર્મચારીઓ માથે ટેકાના ભાવે મગફળીની ખરીદીની જવાબદારીઓ થોપી દેવામાં આવી હોવાનું જણાવીને ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળે તમામ જિલ્લાઓના મહેસુલી કર્મચારીઓને ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરીથી અડગા રહેવાની સુચના આપીને ખરીદીનો બહિષ્કાર કર્યો હતો. જેના પગલે તમામ જિલ્લાઓમાં કલેકટરોએ આરટીઓ, બહુમાળી જેવી સરકારી કચેરીઓના કર્મચારીઓના ધડાધડ ઓર્ડર કર્યા હતા. જો કે અચાનક મગફળીની ખરીદીની કામગીરી સોંપાતા અન્ય કચેરીઓના કર્મચારીઓ પણ અવઢવમાં મુકાઈ ગયા હતા.
અંતે પરિસ્થિતિ ધ્યાને લઈ સરકારે ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળની માંગણી સ્વીકારી મહેસુલી કર્મચારીઓને માત્ર મોનીટરીંગ જ કરવાનું જાહેર કર્યું છે.
જેથી આજથી રાજયભરના મહેસુલી કર્મચારીઓ ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરીમાં લાગી ગયા છે પરંતુ હવે તેઓને માત્ર કામગીરીનું મોનીટરીંગ જ કરવાનું રહેશે.