રૂ.79 લાખની ઉઘરાણીના પ્રશ્ને થયેલા ઝઘડામાં મકાનમાં અને કારમાં તોડફોડ કર્યાની ફરિયાદ નોંધાવનાર આરોપી બન્યો
રાજકોટ ગુલાબ વિહાર સોસાયટીમાં 11 દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં ત્રણ રાઉન્ડ ફાયરિગ થયાના મોટો ઘટસ્ફોટ થયો છે.રૂ.79 લાખની ઉઘરાણી કરવા જતા મકાન પર થયેલા પથ્થરમારામાં સંડોવાયેલા આરોપીએ પર ફરિયાદીએ ત્રણ રાઉન્ડ ફાયરિગ કરતા પોલીસે ફરિયાદી સામે હત્યાની કોસિસનો ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
શહેરમાં નાનામવા રોડ પરના કોઝી કોટયાર્ડમાં રહેતા પ્રણવ રસિકભાઇ પટેલે ગઈકાલ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુલાબ વિહાર સોસાયટીના હાર્દિક નાગજી સોરઠિયા સામે ફરિયાદ નોંધાવી હતી, પ્રણવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાર્દિક પાસેથી રૂ.79 લાખ ઉઘરાણીના નીકળતા હતા, અનેક વખત ઉઘરાણી કરવા છતાં તે રકમ આપતો નહીં હોવાથી ગત તા.6ના તેનો સાથીદાર અને પોતે બિગ બાઝાર પાછળ આવેલી ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતા હાર્દિકના ઘરે નાણાંની ઉઘરાણી કરવા ગયા હતા.
હાર્દિકે નાણાં આપવાનો ઇનકાર કરી ઝઘડો કરી પોતાની પાસે રહેલી લાઇસન્સ વાળી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યા હતા. તાલુકા પોલીસે પ્રણવ પટેલની ફરિયાદ પરથી હાર્દિક સોરઠિયા સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી હાર્દિક સોરઠિયાની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, 11’દિવસ પૂર્વે હાર્દિક સોરઠિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપી તરીકે મોહિત તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. હાર્દિકે ફરિયાદમાં કહ્યું હતું કે, આરોપીઓએ તેના ઘરે આવી ગાળો ભાંડી પાણીની કુંડીનું ઢાંકણું તોડી, દરવાજા પર પથ્થરમારો કરી નેમ પ્લેટ તોડી નાખી હતી અને બારી તોડી તેમજ કારનો કાચ ફોડી નુકસાન કર્યું હતું.
સમગ્ર મામલે તાલુકા પીઆઇ ધોળાએ જણાવ્યું હતું કે,હાર્દિકે પોતાના ઘરે બનેલી ઘટના અંગે બીજા દિવસે અરજી કરી હતી અને આરોપીના નામની સ્પષ્ટતા થતાં તેણે તા.10ના ફરિયાદ નોંધાવી હતી તે મામલામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પ્રણવ પટેલે તા.6ની ઘટના અંગે સોમવારે ફરિયાદ નોંધાવી તેમાં હાર્દિકે એ સમયે ત્રણ રાઉન્ડ ફાયર કર્યાનું કહ્યું હતું.જેમાં હાર્દિકની પૂછતાછ કરતા તેને ફાયરિગ કર્યાની કબૂલાત આપતા તેની અટકાયત કરી છે.