અબતક, નિરવ ગઢીયા, ઉના
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ હરવા ફરવા માટે પર્યટકોનું સૌથી પ્રીય સ્થળ બની ગયું છે. દરરોજ અનેક પ્રવાસીઓ અહીં આવે છે તેમજ સપ્તાહના અંતિમ દિવસોમાં તો અહીં માનવ મહેરામણ ઉમટે છે. જેના પગલે સ્થાનિકોને મોટા પ્રમાણમાં રોજી રોટી પ્રાપ્ત થાય છે. દીવમાં અનેક સ્થળોએ પર્યટકોની મોટી હાજરી જોવા મળે છે. અહીં વિશાલ દરીયા કિનારે નાહવાની મોજ લેવા દૂર દૂરથી માણસો આવે છે. તેમાંયે અહીંનો નાગવા બીચ નાહવા માટે ખૂબ પ્રખ્યાત અને એકદમ સંપૂર્ણ નિર્ભય જગ્યા છે.
અહીં આસપાસ ઘણીબધી હોટેલ તથા સ્થાનિકોના નાના નાના સ્ટોલ આવેલા છે. જેમાં ખાવા પીવાથી લઈ લગભગ તમામ ચીજવસ્તુઓ પ્રાપ્ત ઉપલબ્ધ છે. જો કે અહીં આવતા પર્યટકોને સ્થાનિક ધંધાદારીઓ લૂંટતા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠતી રહી છે. જે ખાણીપીણી બજારમાં એમઆરપી ભાવે મળે છે તે વસ્તુના અહીં દોઢાથી ડબલ સુધીના પૈસા વસુલવામાં આવી રહ્યા છે. જેના પગલે અહીંથી રોજી રોટી મેળવતા સ્થાનિકો પોતાના પેટ ભરવા આવે છે કે પછી પેટ વધારવા એ નથી સમજાતું.
ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઈ તમામમાં લૂંટ ચલાવવામાં આવતી હોવાની ઉઠતી વ્યાપક ફરીયાદ: તંત્ર પગલાં ભરે તેવી પર્યટકોની માંગ
જ્યારે તેઓને ખબર છે કે આપણી રોજીરોટી આ પર્યટકો ઉપર નિર્ભર છે છતાં મન ફાવે ફાવે તેમ પૈસા વસૂલ કરતા જોવા મળે છે તો આવું જ ચાલતું રહ્યું તો તે સમય દુર નથી કે દીવ મા પર્યટકોની સંખ્યા ઘટશે અને તેની માઠી અસર નાના ધંધાર્થીઓ ઉપર પડશે.જયારે અહીં આવતા બધા પર્યટકોની આર્થિક પરિસ્થિતિ સરખી હોતી નથી. જેના પગલે વહીવટીતંત્ર આવા લૂંટારૂ બનેલા સ્થાનિક ધંધાદારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે.