દ્વારકા જિલ્લામાં એકપણ વર્ગખંડ ન બનતા આશ્ર્ચર્ય; વિધાનસભામાં પ્રશ્ર્નોતરી દરમિયાન ઘટસ્ફોટ
રાજયની સામે હાલારમાં સરકાર દ્વારા શિક્ષણને વેગ મળે તે માટે ભણે ગુજરાત, જીતે ગુજરાત સહિતના અભિયાન ચલાવામાં આવી રહ્યા છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, હાલારની સરકારી શાળાઓમાં 580 ઓરડાની ઘટ હોવા છતાં એક વર્ષમાં ફકત 8 ઓરડા બન્યા છે. વર્ષ-2020ના અંતે જામનગર જિલ્લામાં 391, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 189 ઓરડાનો અભાવ હોવાનું નોંધાયું છે. દ્વારકા જિલ્લાની સરકારી શાળામાં વર્ષ 2019-20માં એકપણ ઓરડો ન બનતા આશ્ચર્ય સર્જાયું છે. આમ છતાં ચોકકસ સમયમર્યાદામાં ઓરડા બનાવાના બદલે આગામી વર્ષોમાં તબકકાવાર ઝડપથી ઓરડા બનાવામાં આવશે, શિક્ષણમંત્રીના પ્રત્યુતરથી અનેક સવાલ ઉઠયા છે.
રાજયના વિધાનસભા સત્રમાં કાલાવડના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મૂસડિયાએ તા.31/12/2020ની સ્થિતિએ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કેટલા ઓરડાની ઘટ છે અને છેલ્લાં બે વર્ષમાં બંને જિલ્લામાં સરકારી શાળામાં કેટલા નવા ઓરડા બનાવામાં આવ્યા તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પ્રત્યુતરમાં રાજયના શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ-2020ના અંતે જામનગર જિલ્લામાં 391 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 189 ઓરડાની ઘટ છે. જયારે વર્ષ 2019-20 માં જામનગર જિલ્લામાં 8 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળામાં એકપણ નવો ઓરડો બનાવામાં આવ્યો નથી. શિક્ષણમંત્રીના આ પ્રત્યુતરથી આશ્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે.
હાલારમાં બે વર્ષમાં નવી 22 શાળાઓને મંજૂરી અપાઇ
વિધાનસભા સત્રમાં જામજોઘપુરના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ હલારમાં કુલ કેટલી શાળા છે અને બે વર્ષમાં કેટલી નવી શાળાને મંજૂરી આપવામાં આવી તે પ્રશ્ન ઉઠાવ્યો હતો. જેના પ્રત્યુતરમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, બે વર્ષમાં જામનગર જિલ્લામાં સરકારી 1, ગ્રાન્ટેડ 5 અને ખાનગી 3 તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી 9, ગ્રાન્ટેડ 2 અને ખાનગી 2 નવી શાળાને મંજૂરી આપવામાં આવી છે.