પોલીસે કાર્યવાહી કરીને મદદના કરી હોત તો, પરસેવાની કમાણીમાંથી બનાવેલુ મકાન ગુમાવવું પડે તેમ હતુ
આખી જિંદગી નોકરી કરી, એસ.ટી.ના નિવૃત્ત કર્મચારીએ બનાવેલ મકાનનો કબ્જો ભાડુઆત પાસેથી જૂનાગઢ પોલીસ દ્વારા પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરી એક વખત સાર્થક કર્યું હતું.
જૂનાગઢ શહેરના સરદાર બાગ, ઘાંચીપટ વિસ્તારમાં અલ અમીન એપાર્ટમેન્ટમા રહેતા અને એસ.ટી.મા નોકરી કરી, રીટાયર્ડ થયેલા ઇસ્માઇલભાઈ ફુલવાડિયાએ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતે એસ.ટી. માથી નિવૃત્ત થયા બાદ પોતાની મરણ મૂડીમાથી સુખનાથ ચોક પાસે પ્રિન્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ લીધેલ હતો. પોતે લીધેલ ફ્લેટ પોતાના દીકરાના લગ્ન થતા, કુટુંબના સભ્યો વધતા, સાંકળ પડતા, મોટું મકાન સરદાર બાગમાં ભાડે રાખી, આ મકાન મૂળ રાજકોટના રહીશ ઝાકિરહુસેન બ્લોચને સને ૨૦૧૫ મા ભાડે આપ્યું હતું. અને થોડા સમય બાદ ભાડુઆત એ ભાડું આપવાનું પણ બંધ કરી દીધું હતું. તથા ભાડું લેવા જતાં, ભાડુઆત દ્વારા મકાન પચાવી પાડવાની વાત કરતા અને ભાડું પણ ના આપતા હતા. તથા હવે તમને મકાન નહિ મળે, એવું જણાવતા, એસ.ટી.ના નિવૃત્ત કર્મચારી મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સામાન કમાણીમાંથી ખરીદ કરેલ ફ્લેટ પચાવી પાડવાનો ભય લાગતા ગળગળા થઈને રજૂઆત કરી હતી.
નિવૃત્ત કર્મચારીઓની વ્યાથા સાંભળી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.જી.ચૌધરી, સુખનાથ ચોકીના પીએસઆઇ વી.યુ.સોલંકીને માર્ગદર્શન આપી, અરજદારની રજુઆત આધારે બળજબરીથી કબ્જો કરેલ ભાડુઆત ઉપર દબાણ લાવતા, ભાડૂત દ્વારા અરજદારનું મકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ હતો અને મકાનની ચાવી સોંપી આપી હતી.
અરજદારને જિંદગીના કમાણી સમાન મકાનનો કબ્જો પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન મકાન હાથમાંથી જતું રહેત, એવી લાગણી વ્યક્ત કરી, મદદ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સુખનાથ પોલીસ ચોકી ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.