પ્રાદેશિક માહિતી કચેરીના અધિકારી કર્મીઓ દ્વારા નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સયુંકત માહિતી નિયામક શરદભાઇ બુંબડિયા અને વર્ગ 4 ના કર્મચારી રસિકભાઇ મહેતા વયનિવૃત્તિ થતાં તેમનો ભાવભીનો વિદાય સમારંભ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ભાવવિભોર સ્વરમાં સંયુક્ત માહિતી નિયામક શરદભાઈ બુબડીયાએ 38 વર્ષની સુદીર્ધ કારકિર્દીના સંસ્મરણો વાગોળતા કહયુ હતું કે સરકારી સેવામાંથી ભલે નિવૃત થતો હોઉ પંરતુ માહિતી પરિવાર સાથેનો મારો નાતો આજીવન રહેશે.
બુબડિયાએ તા.1-10-1983ના બનાસકાંઠામાં જૂનીયર કલાર્ક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, જામનગર, વડોદરા અને રાજકોટમાં ઉતરોતર બઢતી મેળવીને સયુંકત માહિતી નિયામક સુધીના ઉચ્ચ હોદા ઉપર પહોંચ્યા હતા.
રસિકભાઇ મહેતાએ 37 વર્ષ સુધી રાજકોટની કચેરી ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. બુબડિયાએ રસિકભાઇની ચાર દાયકાથી પણ વધુ લાંબી સરકારી સેવાને બિરદાવીને તેઓનું નિવૃત્તિ જીવન આરોગ્યપ્રદ અને દીર્ઘ આયુષ્યવાળું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ માહિતી નિયામક નિરાલા જોષીએ નિવૃત થતાં અધિકારી અને કર્મચારીને નિવૃતિ જીવનની શુભકામના પાઠવી હતી. તેમજ શ્રી બુંબડિયાની વહીવટી કામગીરીની કુશળતા અને શિસ્તબદ્ધતા વિશેના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમજ રસિકભાઇએ કરેલી કામગીરીને બિરદાવી હતી.
નિવૃત સહાયક માહિતી નિયામકજગદીશભાઈ સત્યદેવ અને સહાયક માહિતી નિયામક પ્રિયંકા પરમારે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
આ પ્રસંગે શરદભાઇ બુંબડિયાના ધર્મપત્ની ચંપાબેન સહિત રસિકભાઇ મહેતાના પરિવારજનો, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા, જયેશભાઇ પુરોહિત સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.