યુવકે ભરનિદ્રામાં સુતેલી બે પુત્રી, પત્ની અને કૂતરાને ફાયરીગ કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ લમણે ગોળી ધરબી જીવન ટૂંકાવી લીધું ; મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરાયો
ભાવનગર ના વિજયરાજ નગરમાં રહેતા મૂળ ગોંડલના કાલ મેઘડા ગામના નિવૃત્ત ડિવાય.એસ.પી.ના પુત્રએ તેના પત્ની અને બે માસુમ દિકરી સાથે ગોળી મારી સામુહિક આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સમીસાંજના સુમારે બંને દિકરીના બેડ પરથી, પત્નીનો રસોડામાંથી અને પૃથ્વીરાજસિંહનો મેઇન હોલમાંથી લમણે ગોળી ખાધેલ હાલતે મૃતદેહ મળી આવ્યો હતો. તેઓના પાલતું ડોગને પણ ગોળી મારી શાંત કરી દેવામાં આવ્યો હતો.આપઘાત કર્યાં પહેલા તમામ મિત્રો અને સગા સંબંધીઓ વોટશપમાં મેસેજ કરી આત્મહત્યા કરતા હોવાની જાણ કરી હતી. સામુહિક આત્મહત્યા જેવી સનસનીખેજ ઘટના સામે આવતા એસ.પી. સહિતનો મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જ્યારે બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. મૃતક પૃથ્વીરાજસિંહ ક્ધટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હતાં.
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના કાળ મેઘડા ગામના વતની અને હાલ ભાવનગર શહેરના વિજયરાજનગરમાં ઘટતા ભારે સનસનાટી છવાઇ જવા પામી હતી. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પી.આઇ.અને નિવૃત્ત ડિવાય.એસ.પી. નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રદ્યુમનસિંહ નરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૪૫ રહે વિજયનગર)એ આજે સમીસાંજના ૬ કલાકના અરસા દરમિયાન તેમના પત્ની બીનાબા પૃથ્વીરાજસિંહ જાડેજા (ઉ.વ.૩૮), દિકરી નંદનીબા (ઉ.વ.૧૫) અને યશશ્વીબા જાડેજા (ઉ.વ.૧૧) સાથે રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી સામુહિક આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મૃતક પૃથ્વીરાજસિંહ ક્ધટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ હતાં. જ્યારે સનસનીખેજ ઘટનાની જાણ થતા ભાવનગર એસ.પી., એ.એસ.પી., એફ.એસ.એલ. ટીમ સહિત મસમોટો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને છાનબીન હાથ ધરવામાં આવી હતી. પૃથ્વીરાજસિંહના પૃથ્વીરાજ બંગલાના ઉપરના માળે આવેલ રૂમના બેડ પરથી બંને દિકરી મૃત હાલતે મળી આવી હતી. જ્યારે પત્ની બીનાબાનો મૃતદેહ રસોડામાંથી જ્યારે મેઇન હોલના સોફા પરથી લમણે ગોળી ખાધેલ હાલતે પૃથ્વીરાજસિંહ મૃત હાલતે મળી આવ્યા હતાં. જ્યારે પરિવારના પાલતુ ડોગ ટોમીને પણ ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. બંગલામાં કુલ ૬ રાઉન્ડ રિવોલ્વરમાંથી ફાયર થયા હતાં જે પૈકી એક ગોળી મીસફાયર થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બંને દિકરી બાદ પત્ની બીનાબા અને ત્યારબાદ પૃથ્વીરાજસિંહે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ટેબલ પરથી એક કવર પર પૃથ્વીરાજસિંહના લખાણ સાથે નોટ જોવા મળી હતી જે પોલીસે કબજે લીધી હતી. જ્યારે પૃથ્વીરાજસિંહની લાયસન્સવાળી રિવોલ્વર પણ પોલીસે બરામત કરી હતી. મોડી રાત્રિ સુધી એફ.એસ.એલ.ની કાર્યવાહી બાદ તમામના મૃતદેહને પી.એમ. અર્થે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર ઘટના સામે આવતા તેની પાડોશમાં જ રહેતા પૃથ્વીરાજસિંહના સગ્ગા મામા વિક્રમસિંહ ગોહિલ સહિતના પરિવારજનો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં. એક જ પરિવારના ચાર સદસ્યોએ સામુહિક આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી હતી. આત્મહત્યા કરતા પૂર્વે તમામ મિત્રો અને સગા સંબંધીઓને વોટશેપથી મેસેજ કરી આપઘાત અંગેની જાણ કરતા લોકોના ટોળા ઉમટ્યા હતા. આર્થિક સંપન્ન રીતે પરિવારના મોભી જમીન મકાનની દલાલીનું કામ કરતા હતા. તેમના પત્ની બીનાબેન કરણીસેનાના પ્રમુખ હતા. હાલ સામુહિક હત્યાના બનાવ અંગે ડીવાયએસપી સફીન હસને વધુ તપાસ હાથ ધરી છે.