ચીટરે એકાઉન્ટના આઈડી, પાસવર્ડ ફેરવી પૈસા ટ્રાન્સફર કરી લીધા

શહેરમાં સાયબર ફ્રોડના બનાવી દિવસેને દિવસે બનવા પામ્યા છે .ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે સામે આવ્યો છે.જેમાં એરપોર્ટ રોડ પર આવેલી જનતા સોસાયટીમાં રહેતા નિવૃત્ત ડીવાય.એસ.પી.ના પુત્રના બેંક ખાતામાંથી ચીટરે રૂ.9.99 લાખ ઉપાડી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

વિગતો મુજબ એરપોર્ટ રોડ, જનતા જનાર્દન સોસાયટીમાં રહેતા અને ક્ધસ્ટ્રક્શનનો વેપાર કરતા ધર્મેન્દ્રસિંહ સુખદેવસિંહ ચુડાસમાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ધંધાનું ખાતું વર્ષોથી નિર્મલા રોડ પર આવેલી ખાનગી બેંકમાં છે. તેઓ ક્યારેય નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા ન હતા. પરંતુ ગત વર્ષથી જ પોતે નેટ બેન્કિંગનો ઉપયોગ ચાલુ કર્યો હતો.

દરમિયાન ગુરુવારે બપોરે પોતે ઓફિસમાં હતા. ત્યારે પોતાના મેલ આઇડી પર એક મેલ આવ્યો હતો. જે મેલ ખાનગી બેંકનો હતો અને તેમાં નેટ બેન્કિંગ દ્વારા ખાતામાંથી રૂ.9.99 લાખ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાવાયું હતું. જોકે, પોતે કોઇ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યું ન હોય તુરંત બેંક પર દોડી જઇ બ્રાંચ મેનેજરને વાત કરી હતી. બેંકની તપાસમાં કોઇ ચાર્જના પૈસા ઉપડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.આ જ સમયે એક મેસેજ આવ્યો હતો. જે મેસેજ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ના નામથી નેટ બેન્કિંગ થયાનો ઉલ્લેખ હતો. ચીટરે ખાતાના આઇડી, પાસવર્ડ ફેરફાર કરી નાખ્યા હતા. જેથી તુરંત પોતાનું બેંક એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. ત્યાર બાદ પોલીસમાં ઓનલાઇન અરજી આપી હતી.જેથી સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઇ જી.બી.ડોડિયાએ આગળની તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.