આજની આ ભાગદોડની જીંદગીમાં લોકો આખો દિવસ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય છે. સવારથી લઈને સાંજે મોડે સુધી બસ કામ ને કામમાં જ રહે છે. સાંજના સમયે મોડે સુધી કામ કરવાથી લોકોની ઊંઘ પૂરી નથી થતી. જેનાથી તમારા શરીરને લગતી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. જેમ કે આંખો પર ડાર્ક સર્કલ પડવા,ચહેરા પર કરચલીઓ પડવી,પિમ્પલ્સ થવાં,ચહેરા પર ડાઘા થવાં,ત્વચા કાળી પડવી જેવી કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. જેના લીધે તમારી વધતી ઉમર પણ દેખાય આવે છે. જ્યારે શરીરમાં વિટામિન A નું પ્રમાણ ઘટી જાય છે ત્યારે આ બધી સમસ્યાઓ ઊભી થાય છે. આમ તો પોષ્ટિક તત્વોથી ભરપૂર આહાર લેવાથી તમારા શરીરને વિટામિન A મળે છે. પણ જો તમે આહાર લીધા વગર પણ તમારા શરીરમાં વિટામિન A નું પ્રમાણ વધારવા માંગતા હોવ તો રેટિનોલનો ઉપયોગ કરવાનું રાખો. રેટિનોલમાં વિટામિન Aનું પ્રમાણ ભરપૂર માત્રામાં રહેલું છે.
રેટિનોલ શું છે?
રેટિનોલ એક પ્રકારનું સિરમ છે. જેને ચહેરા પર લગાવવામાં આવે છે. રેટિનોલનો ઉપયોગ કરવાથી તમારા ચહેરાને વિટામીન A પ્રોટીન મળે છે. રેટિનોલના નાના અણુઓ ત્વચામાં ઊંડે સુધી જાય છે અને ત્યાં પહોંચીને તેઓ ત્વચાના કોષોને વધારે છે. રેટિનોલ ઇલાસ્ટિન અને કોલેજન પ્રોટીન વધારવા માટે પણ કામ કરે છે. તે તમારી ચહેરાની ત્વચાને એક્સ્ફોલિએટ કરે છે. સાથોસાથ ચહેરા પરની કરચલીઓ, ડાર્ક સર્કલ,પિમ્પલ્સ જેવી કેટલીક સમસ્યાઓથી રેટિનોલ રાહત આપે છે. સાથોસાથ ચહેરાને ચમકદાર બનાવે છે.
રેટિનોલ ત્વચા માટે ફાયદાકારક છે
આજના સમયમાં તો બધા લોકો પોતાના ચહેરાની સંભાળ રાખવા માટે ફેસવોશ,ફેસક્રિમો, મોઈશ્ચરાઈઝર અને સનસ્ક્રીન જેવી કેટલીક પ્રોડક્ટનો ઉપયોગ કરતાં હોય છે. આ બધી પ્રોડક્ટમાં કેમિકલ રહેલું હોય છે. જેનાથી સમય જતાં તે તમારી ત્વચાને નુકશાન કરે છે. પણ રેટિનોલ સિરમ ચહેરા પર લગાવવાથી તે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. રેટિનોલ સિરમ ખાસ કરીને આંખની નીચેના ડાર્ક સર્કલ મટાડવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે. રેટિનોલ સિરમ ડાર્કસર્કલને દૂર કરીને તમારી સ્કિનને વધુ સોફ્ટ બનાવી ચહેરાને ચમકદાર બનાવે છે. રેટિનોલ ચહેરા પરના ખીલના ડાઘ અને સ્ટ્રેચ માર્ક્સને પણ દૂર કરે છે. ક્યારેક વ્યક્તિની ઉમર નાની વયની હોય પણ તે વૃદ્ધ દેખાવા લાગે છે. આ વધતી ઉમરને દૂર કરવા માટે રેટિનોલ સિરમ લગાવવાથી તે તમારી વૃદ્ધત્વની અસરોને રોકવામાં મદદ કરે છે. સાથોસાથ પિગ્મેન્ટેશનની સારવાર માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રેટિનોલનો ઉપયોગ કરતી વખતે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખો
રેટિનોલ હંમેશા સાંજના સમયે ચહેરા પર લગાવવાનું રાખો. તેને લગાવ્યા પછી મોઈશ્ચરાઈઝર લગાવો. રેટિનોલ સાથે ગ્લાયકોલિક એસિડ અને સેલિસિલિક એસિડનો ઉપયોગ કરવાનું બંધ કરો. રેટિનોલ સાથે આ બે એસિડનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પર બળતરા થઈ શકે છે. રેટિનોલ ત્વચા માટે સેન્સિટિવ હોય છે એટલે તમે પહેલી વાર રેટિનોલનો ઉપયોગ કરો તો શરૂઆતમાં તમારે એક દિવસ છોડીને એક દિવસે રેટિનોલ લગાવવું. ધીમે ધીમે રેટિનોલ લગાવવાના ફાયદા તમારા ચહેરા પર દેખાશે. થોડાક દિવસ ઉપયોગ કર્યા પછી તમે તેનો દરરોજ ઉપયોગ કરી શકો છો. રેટિનોલને શરૂઆતના સમયમાં તમે અડધો કલાક,પછી એક કલાક એમ ધીરે-ધીરે કરીને આખી રાત લગાવીને રાખી શકો છો. પ્રેગ્નેટ મહિલાઓએ રેટિનોલનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ વિટામિન C અને રેટીનોલનો ઉપયોગ એકસાથે ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
કઈ ઉંમરે ઉપયોગ કરવો જોઈએ
જ્યારે તમારી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ વયની હોય ત્યારે રેટિનોલનો ઉપયોગ કરવો બેસ્ટ માનવામાં આવે છે. કારણ કે આ ઉંમર પછી વૃદ્ધત્વના લક્ષણો ચહેરા પર દેખાવા લાગે છે. પણ આપણી બદલાતી જીવનશૈલીને કારણે તમે 25 વર્ષની ઉંમરથી પણ રેટિનોલનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકો છો.
રેટિનોલ સિરમ ચહેરા પર કઈ રીતે લગાવવું
રેટિનોલ લગાવ્યા પહેલાં તમારા ચહેરાને સૌપ્રથમ પાણીથી ધોઈ લો. ત્યારબાદ રેટિનોલને મોઈશ્ચરાઈઝર સાથે મિક્સ કરીને લગાવો.
રેટિનોલ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો
તમે તમારી ત્વચાની સારસંભાળ રાખવા માટે તમારી ત્વચા ક્યાં પ્રકારની છે તે તપાસ કરીને પ્રોડક્ટ ખરીદવાનું રાખો. ત્વચાને લગતી પ્રોડક્ટમાં લગભગ 0.01% રેટિનોલ હોય છે. જે તમારી ત્વચા માટે સારું માનવામાં આવે છે. જો 1% કરતા વધુ રેટિનોલ ધરાવતા પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવાનું રાખો. જેલ અથવા સીરમ જેવી પ્રોડક્ટ ક્રીમ કરતાં વધુ સારી રીતે તમારી ત્વચા પર અસર કરે છે. જે ફાયદાકારક પણ છે.