કોરોનાને કારણે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં  છેલા 40થી પણ વધુ દિવસોથી લોકડાઉન હતું.પરંતુ દીવમાં કોરોના નો એકપણ કેસ ન નોંધાતા દીવ નો ગ્રીન ઝોનમાં સમાવેશ થયો છે.  અને દીવના લોકોને લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે  દીવ કલેકટર સલોની રાય એ વધારે એક છૂટછાટ આપી છે. દીવમાં રિટેલર લિકરશોપ અને સલૂન ખોલવા મંજૂરી આપતા લિકર શોપ ખુલ્યા છે.

દીવ કલેકટરે રિટેલર લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા આજે વહેલી સવારથી જ વાઇન શોપની બહાર લાંબી કતારો લાગી હતી. દીવમાં ૮ જેટલા લિકર શોપ ખુલતા જ વહેલી સવારથી લોકોની  લાંબી કતાર જોવા મળી

લોકડાઉનના ત્રીજા ફેસમાં દમણ-દીવ અને દાદરાનગર હવેલી હજુ ગ્રીન ઝોનમાં છે. કારણકે પ્રશાસનના અથાગ પ્રયત્નો અને પ્રજાના સહકારથી અહીં એક પણ કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

કલેકટર સલોની રાયે જણાવ્યું હતું કે દીવ ગ્રીન ઝોનમાં હોવાના કારણે અમુક વધારે છૂટછાટ આપવામાં આવે છે. જેની અંદર દીવના ૮ વાઈન શોપ ને શરતો ઉપર મંજૂરી આપવામાં આવી છે. દુકાનની અંદર પાંચથી વધારે ગ્રાહકો ન હોવા જોઇએ તેમજ સામાજિક અંતર જળવાઈ રહે તેના ઉપર ખાસ ધ્યાન આપવું. આ સાથે ઓટોરિક્ષા, હેર સલૂન બ્યુટી પાર્લર વગેરેને પણ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ સાથે સામાજિક અંતર જળવાય રહે છે સૅનેટાઇઝર નો ઉપયોગ, માસ્ક પહેરવું વગેરે નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું.

આ સાથે કલેકટર સલોની રાયે ખાસ જણાવ્યું હતું કે દીવ ની બંને ચેકપોસ્ટો હજુ જે રીતે સીલ કરવામાં આવી છે એ જ પ્રમાણે બંધ રહેશે. જે લોકો ઉના કે દીવની બહાર થી અહીં આવે છે અને તેમની દુકાનો દીવમાં છે તો તે લોકોને હાલમાં મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત બાર, રેસ્ટોરન્ટ, પાનની દુકાનો પણ બંધ રહેશે.

આ સાથે લોકડાઉન ના આ ત્રીજા ફેસ કોઈ પણ પ્રકારના સામાજિક, ધાર્મિક, કાર્યક્રમો બંધ રહેશે. 144 હજી લાગુ રહેશે. આ સાથે  સલોની રાયે દીવના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે જે રીતે આજ સુધી દીવના લોકોએ જે રીતે લોકડાઉન ને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે એ જ રીતે આગળના દિવસોમાં પણ હજુ દીવ ગ્રીન ઝોનમાં જ રહે તે માટે પ્રશાસનના સૂચનોનું આ જ રીતે પાલન કરે અને સામાજિક અંતર જળવાઈ, સૅનેટાઇઝર, માસ્ક નો ઉપયોગ કરે તેમજ સ્વચ્છતા જાળવી રાખે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.