જૂન-18માં લેવાયેલી સીએસ પ્રોફેશનલ ફાઈનલ પરીક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં સુરતના સ્ટુડન્ટસે દેશભરમાં ડંકો વગાડતાં બીજો ક્રમ હાંસલ કર્યો છે. સીએની તૈયારી કરવાની સાથે સીએસ ક્રેક કરનાર સ્ટુડન્ટસે આગામી સમયમાં એમબીએ ફાઈનાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ ટાર્ગેટ સાથે મહેનત કરતાં મેળવેલી સિધ્ધિને પરિવારે બિરદાવી હતી.
જૂન 2018માં લેવાયેલી સીએસની પરીક્ષામાં સુરતમાંથી કુલ 84 જેટલા સ્ટુડન્ટસે પરીક્ષા આપી હતી. જેમાંથી 3 સ્ટુડન્ટસ ફાઈનલ સીએસની પરીક્ષા ક્રેક કરવામાં સફળ થયા હતાં. જેમાં સીએસ ફાઈનલની પરીક્ષાના પરિણામમાં ઝળહળતી સિધ્ધિ મેળવનારા દેવાંશ શાહને દેશભરમાં બીજો અને ગુજરાત-સુરતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. દેવાંશે પોતાની સફળતા વિષે જણાવ્યું હતું કે, 12 કોમર્સ પછી સીએની તૈયારી કરવાની સાથે સીએસ ફાઉન્ડેશન ક્લિયર કરીને સીધો બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારબાદ ટાર્ગેટ સાથે આઈસીએસઆઈનું સ્ટડી મટીરીયલ્સમાંથી તૈયારી કરતો હતો. સ્ટડી મટીરીયલ્સ પર ફોક્સ કરવાથી એક્ઝામ ક્રેક કરી શકાતી હોવાનું તેણે વધુમાં ઉમેર્યું હતું.