૧.૪૭ લાખ વિદ્યાર્થીઓનાં ભાવિનો ફેંસલો: વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉચાટ સાથે અનેરો રોમાંચ
પરિણામ સવારે ૯:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટ WWW.GSEB.ORG પર ઓનલાઈન જોઈ શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૯માં લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આવતીકાલે પરીણામ જાહેર થશે. આ વખતે ધો.૧૨માં કુલ ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે ટકાવારી ઉંચી રહે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. વિજ્ઞાન પ્રવાહનાં પરીણામની જાહેરાત સાથે વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ઉચાટ સાથે અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે. આવતીકાલનાં રોજ ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓનાં ભાવીનો ફેંસલો થનાર છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ જ નીટ અને ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારે વિદ્યાર્થીઓ પોતાનાં માર્કશીટની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષાસચિવે જાહેરાત કર્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આવતીકાલનાં રોજ સવારે ૧૧ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી વિતરણ સ્થળોએથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે. આવતીકાલે સવારે ૯:૦૦ વાગ્યે બોર્ડની વેબસાઈટWWW.GSEB.ORG પર પરીણામ મુકવામાં આવશે.
ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ચુંટણી પરીણામ પહેલા જાહેર થાય તેવી સંભાવના
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનાં પરીણામની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જોકે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ આવતીકાલે જાહેર થનાર છે પરંતુ હજી સતાવાર રીતે ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરીણામની તારીખો જાહેર કરવામાં આવી નથી પરંતુ ચોકકસથી કહી શકાય કે ચુંટણીનું પરીણામ આગામી ૨૩મી મેનાં રોજ છે તો આ વખતે ચુંટણી પહેલા જ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરીણામ જાહેર થાય તેવી પુરેપુરી સંભાવના વર્તાય રહી છે. ૯મી મે એટલે કે આવતીકાલનાં રોજ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ અઠવાડિયાનાં અંતરાળ બાદ ૧૩ કે ૧૪ મેના રોજ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું અને ૨૦મી મેના રોજ ધો.૧૦નું પરીણામ જાહેર થશે તેવી સંભાવના છે.