લોકડાઉન વધતા જાહેરનામાની અમલવારી લંબાવાઈ: જાહેરનામાની ચૂસ્ત અમલવારી કરાવવાના આદેશો
કોવિડ-૧૯ના ઝડપી સંક્ર્મણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રતિબંધક હુકમો જારી કર્યા હતાં જે આગામી તા.૩ મે, ૨૦૨૦ સુધી અમલમાં રહેશે.
જે મુજબ કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી કામ વગર ઘરની બહાર નીકળવું નહીં કે અવરજવર કરવી નહીં. જિલ્લાની હદ વળોટવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી, સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓ એક સાથે કોઈ પણ જગ્યાએ એકઠા થવું નહીં. સભા-સરઘસ સંમેલન મેળાવડા કે લોકમેળાના આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં લોકોએ હાજર રહેવું નહીં. મોલ,મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ડાન્સ ક્લાસીસ, ગેમ ઝોન, ક્લબ હાઉસ, અમ્યૂઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, હાટ બજાર તેમજ જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. તમામ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ/ ટ્યુશન કોચિંગ ક્લાસ વગેરે જગ્યાએ તમામ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા, સરકારી તથા ખાનગી હોસ્ટેલ, જાહેર બાગ-બગીચા તથા ધાર્મિક મેળાવડા, પાન માવાના ગલ્લાઓ અને દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનો, બંધ રાખવી. તમામ હોટેલો, રેસ્ટોરન્ટો, ખાણીપીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દુકાન, ભોજનાલય વગેરે ખાતે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. કોઈ પણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/માહિતી કોઈપણ પ્રકારના મીડિયા મારફત આવશે તો તે ગુનો ગણાશે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર / દેશમાંથી આવ્યો હશે તો તેમની નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર-જિલ્લાના કંટ્રોલરૂમ નંબર ૧૦૪ પર અંગે ફરજિયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે વહીવટીતંત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જાહેર રસ્તાઓ પર કોઈ વ્યક્તિ થુંકીને કે અન્ય રીતે ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમ અનુસાર દંડ વસૂલ કરવામાં આવશે. કતલખાના બંધ રાખવા તેમજ માંસનું વેચાણ ન કરવું.
રાજકોટ ગ્રામ્ય સહિત જિલ્લાના સમગ્ર વિસ્તારમાં માત્ર સરકારી મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત સેવા, દૂધ, શાકભાજી, ફળફળાદી, કરિયાણું, પ્રોવિઝન સ્ટોર, મેડિકલ સ્ટોર, દવાખાના, હોસ્પિટલ, લેબોરેટરી , દવા-મેડિકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાર્મસી, આરોગ્યલક્ષી તથા વીજળી અંગેની સેવા, વીમા કંપની, ઇન્ટરનેટ, ટેલિફોન આઇટી સંબંધિત સેવાઓ, માલ-સામાનની હેરફેર માટે રેલવે, ટ્રાન્સપોર્ટેશન સેવા, મીડિયા, સમાચાર પત્રો, પેટ્રોલ પંપ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા તંત્ર, બેન્ક, એટીએમ, બેન્કનું કલીયરીંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ, તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ, ખાદ્ય પદાર્થો તથા ખાદ્યસામગ્રી, પેસ્ટ ક્ધટ્રોલ અને આવશ્યક સેવાઓના ઉત્પાદન પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઇ-કોમર્સ, જેવી બાબતો ચાલુ રહેશે.
આ પ્રતિબંધક હુકમો સરકારી ફરજ ઉપર હોય તેમને, રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ધંધા-વ્યવસાયમાં સંકળાયેલ લોકોને સક્ષમ અધિકારીએ પરવાનગી આપી હોય તેમને તેમજ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા મુક્તિ આપી હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવશે.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫, ૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
લોકડાઉન દરમિયાન કામદારોને નિયત થયેલું મહેનતાણું ચુકવવું પડશે: કલેકટરનો આદેશ
નોવેલ વાયરસ કોવિડ-૧૯ ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીનાં ભાગરૂપે જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે.જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું કે જિલ્લાની સરહદ ક્રોસ કરવી નહીં તેમજ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું. જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં. તેમજ જિલ્લા વિસ્તારમાં મજૂરો, સ્થળાંતર થયેલ લોકો સહિત જે લોકો ભાડેથી રહે છે, તેમના મકાનમાલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. ઉપરાંત કોઈપણ ઉદ્યોગ વ્યાપારિક કે વાણિજ્યિક સંસ્થા, દુકાન, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં, ઉપરાંત લોકડાઉન સમયે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હોય તો પણ શ્રમિકોને કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું ચૂકવવાનું રહેશે.
લોકડાઉન દરમિયાન ઉદ્યોગ, સંસ્થા કે દુકાન વગેરેમાં કાર્યરત મજૂરો, કામદારો કે ખેત મજુરો કે જેઓ તેમના કામના સ્થળ નજીક રહેતા હોય તેમણે રહેણાંક છોડવું નહીં. આ પ્રકારના મજૂરવર્ગના લોકો રહેણાંક ન છોડે અને લોકડાઉનનો ભંગ ન કરે તેની તકેદારી તેમને કામે રાખનાર ઉદ્યોગકારો, કોન્ટ્રાક્ટરો, દુકાનદારો અને બિન અસંગઠિત મજૂરોને કામ આપનાર સંસ્થાઓ અથવા વ્યક્તિઓ વગેરેએ રાખવાની રહેશે.
આ પ્રતિબંધક હુકમો સરકારી ફરજ ઉપર હોય તેમને, રોજિંદા જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓના ધંધા-વ્યવસાયમાં સંકળાયેલ લોકોને સક્ષમ અધિકારીએ પરવાનગી આપી હોય તેમને તેમજ ભારત સરકાર કે રાજ્ય સરકાર દ્વારા મુક્તિ આપી હોય કે હવે પછી મુક્તિ આપવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૫, ૧૩૯ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું સમગ્ર રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં તા. ૩ મે સુધી અમલમાં રહેશે તથા આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.