ત્રણ લાખ કેસ સાથે વિશ્વમાં સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશમાં ભારતનો ચોથો ક્રમ: કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં પહોંચવાનો ખતરો

આંતર  રાજ્ય-આંતર જિલ્લામાં પરિવહન ઉપર કડક નિયંત્રણો, શનિ-રવિ કે જાહેર રજાઓમાં લોકડાઉનના ચુસ્ત પાલન સહિતના વિકલ્પો અંગે વિચારણા

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ૩ લાખ નજીક પહોંચી જતાં મામલો વધુ ગંભીર બન્યો છે. કોરોનાના સંક્રમણની પેટર્નને તોડવા ફરીથી કડક નિયમો લાદવામાં આવી શકે છે. પરંતુ હવેના પ્રતિબંધોના નિતી નિયમો અગાઉ કરતા વધુ ભિન્ન રહેશે. હવે આંતર રાજ્ય કે આંતર જિલ્લામાં પરિવહન ઉપર કડક નિયંત્રણો લાદવામાં આવશે. આ ઉપરાંત શનિ-રવિ એટલે કે, વિક એન્ડ તેમજ જાહેર રજામાં બહાર નીકળતા લોકોના ટોળાને રોકવા માટે લોકડાઉનની ચુસ્ત પાલન કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે. ભારત અત્યારે વિશ્ર્વના સૌથી વધુ કોરોનાગ્રસ્ત દેશોની યાદીમાં ચોથા ક્રમે પહોંચી ગયો છે. દેશમાં સત્તાવાર રીતે ૨.૯૮ લાખ કેસ નોંધાઈ ચૂકયા છે. અલબત ટૂંક સમયમાં કેસ ૩ લાખને પાર થઈ જશે.

કોરોનાના સંક્રમણના વધતા કેસની સાથો સાથ મૃત્યુદરમાં થયેલો ઉછાળો પણ ગંભીર મામલો છે. બે દિવસ પહેલા દેશમાં મોતની સંખ્યા એક જ દિવસમાં ૩૦૦ને પાર થઈ ગઈ હતી. હવે ફરીથી ૩૭૫ મોત નોંધાવાની ભીતિના પગલે તંત્ર સફાળુ જાગી ગયું છે. અત્યાર સુધીમાં દેશમાં ૮૫૦૦ જેટલા મોત કોરોનાના કારણે થયા હોવાનું આંકડા કહી રહ્યાં છે. જેમાંથી ૩૪૩૮ મહારાષ્ટ્રમાં, ૧૩૪૭ ગુજરાતમાં, ૯૮૪ દિલ્હીમાં, ૪૨૭ મધ્યપ્રદેશમાં, ૪૩૨ પં.બંગાળમાં, ૩૨૬ તામિલનાડુમાં, ૩૨૧ ઉત્તરપ્રદેશમાં, ૨૫૯ રાજસ્થાનમાં અને ૧૫૬ તેલંગણામાં થયા હતા. આ ઉપરાંત ૭૮ આંધ્રપ્રદેશ, ૬૯ કર્ણાટકમાં અને ૫૫ મોત પંજાબમાં નોંધાયા હતા.

વિશ્ર્વભરમાં કોરોના વાયરસના કેસની સંખ્યા ૭૦ લાખને પાર થઈ ચૂકી છે અને મોત ૪.૧૭ લાખથી વધી ગયા છે. ત્યારે ચીન દ્વારા કોરોનાના કેસને યુનિવર્સલ બનાવવાનો પ્રયાસ થયો છે. છેલ્લા થોડા દિવસોમાં ચીનમાં અનેક લેબોરેટરી સ્થાપવામાં આવી છે જે ચીનના દરેક નાગરિકનું પરિક્ષણ કરવા સજ્જ બની ચૂકી છે. એકંદરે ચીન આગામી સમયમાં પોતાના પ્રત્યેક નાગરિકનું પરિક્ષણ કરવા સજ્જ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતની જેમ બ્રાઝીલ અને રશિયાની હાલત પણ ખરાબ છે. બ્રાઝીલમાં ૭.૮૭ લાખ કેસ છે. જ્યારે રશિયામાં ૫ લાખ કેસ છે. સૌથી વધુ કેસ અમેરિકામાં (૨૦ લાખ) છે. વધતા કેસના કારણે પંજાબ, કેરળ, તામિલનાડુ અને ઝારખંડ જેવા રાજ્યોમાં લોકડાઉનની કડક અમલવારી થવા જઈ રહી છે. આગામી સમયમાં શનિ-રવિ અથવા તો જાહેર રજાઓમાં લોકડાઉનનું કડક પાલન કરાવવામાં આવશે તેવું પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પંજાબ, કેરળ, તામિલનાડુ અને ઝારખંડ સહિતના રાજ્યો સરહદોમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેશે તેવી વકી છે. એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જવા માટે કડક નીતિ નિયમોનું પાલન કરાવવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ સ્પષ્ટપણે લોકડાઉન નહીં લાદવામાં આવે તેવા સંકેતો આપ્યા છે પરંતુ અન્ય રાજ્યોમાં કથડેલી સ્થિતિને લઈ કડક અમલવારી થશે તેવું જણાય રહ્યું છે. વર્તમાન સમયે ભારતમાં કોરોના મહામારી કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજમાં ન હોવાનું  ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવનું કહેવું છે. આઈસીએમઆર દ્વારા દેશના બે તબક્કે અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી ફલીત થયું હતું કે, દેશમાં લોકડાઉન અને ક્ધટેઈમેન્ટ બાબતે લેવાયેલા નિર્ણયોના કારણે કોરોના વાયરસનો ફેલાવો ઓછો થયો છે. જો કે, વર્તમાન સ્થિતિ વૃદ્ધો, ખુબ ગંભીર રોગોથી પીડાતા દર્દીઓ, ગર્ભસ્થ મહિલાઓ અને ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ ખુબજ સાવચેતી દાખવવી જોઈએ તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. સર્વે પરથી જણાયું હતું કે, દેશમાં અત્યારે ૦.૦૮ ટકા ફેટાલીટી રેટ કોરોનામાં છે. અલબત ભવિષ્યમાં કોરોના વધુ ગંભીર સ્વ‚પ ધારણ કરી શકે તેવી ભીતિ છે.

મુંબઈની હાલત ખરાબ: પૈસા દેવા છતાં નથી મળતી સારવાર !

કોરોના વાયરસના કેસમાં સતત વધારાના પગલે મુંબઈમાં સામાન્ય લોકોની હાલત ખુબજ ખરાબ થઈ ચૂકી છે. સારવાર માટે પૈસા આપવા છતાં હોસ્પિટલોમાં દાખલ કરતા નથી તેવું જાણવા મળે છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાથી લોકોને બચાવવા પગલા તો લેવાયા છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં તમામ બેડ દર્દીને અપાઈ ચૂકયા હોવાનો દાવો કરવામાં આવે છે. દિન-પ્રતિદિન વધતા કેસની સામે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ટોચે પહોંચી ચૂકી છે. જેના પરિણામે નવા દર્દીઓને જગ્યા મળતી નથી. તાજેતરમાં જ જગ્યા ન મળવાના કારણે એક માસુમ બાળકીનું મોત કોરોનાથી થયું હોવાનું સામે આવ્યું હતું.

ગુજરાતમાં કોરોનાના ૫૫૭૩ જેટલા એક્ટિવ કેસ

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૨૦૦૦થી વધુ કોરોનાના દર્દી નોંેધાઈ ચૂકયા છે. કોરોનાના કારણે ૧૩૮૫ લોકોના મોત થઈ ચૂકયા છે. અલબત ગુજરાતમાં રિકવરીનું પ્રમાણ પણ વધુ છે. ૧૫૧૦૯થી વધુ લોકોએ કોરનાને મહાત આપી છે.

વર્તમાન સમયે રાજ્યમાં ૫૫૭૩ એક્ટિવ કેસ છે. જેમાંથી ૬૧ દર્દીઓ વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા ૫૧૩ કેસ નોંધાયા હતા અને ૩૮ લોકોએ જીવ ગુમાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.