પાણીના ખાલી પાઉચના આડેધડ નિકાલના કારણે ડ્રેનેજ અને પાણીની પાઈપલાઈન ભરાઈ જતી હોવાની ફરિયાદોના પગલે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીનું જાહેરનામું

આવતીકાલે એટલે કે ૫ જુનના રોજ વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલથી શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો, બાગ બગીચા અને તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચના વેચાણ થતા ઉપયોગ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે.

બીપીએમસી એકટ ૧૯૪૯ની કલમ ૩૭૬/એ હેઠળ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા પ્રસિઘ્ધ કરવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે રાજકોટ શહેર વિસ્તારમાં પાણીના પાઉચનો ઉપયોગ ખુબ વધારે પ્રમાણમાં થાય છે. પાણીના પાઉચનો ઉપયોગ બાદ શહેરીજનો રસ્તાઓ પર મનસ્વી રીતે અને બેજવાબદારીથી પાઉચ ફેંકી દે છે. ખાલી પાણીના પાઉચથી મહાપાલિકાની ડ્રેનેજ લાઈન તથા પાણીની લાઈન અને મોરીઓ તથા ગટરમાં ફસાઈ જવાના કારણે નિકાલ સ્થગિત થઈ જાય છે.

લાઈનમાં ફસાયેલા પાણીના પાઉચનો નિકાલ કરવો પણ ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. આવા પ્રશ્ર્નોના લીધે સ્વચ્છતા જળવાતી નથી અને લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થાય છે. જેને અટકાવવા માટે મહાપાલિકા દ્વારા આવતીકાલ એટલે કે વિશ્ર્વ પર્યાવરણ દિવસથી શહેરના મુખ્ય ૪૮ રાજમાર્ગો મહાપાલિકાના બાગ-બગીચા તથા તમામ સરકારી કચેરીઓમાં પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

શહેરના કુવાડવા રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, કાલાવડ રોડ, ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, પેલેસ રોડ, સોની બજાર રોડ, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રરોડ, ગરેડીયા કુવા રોડ, પરાબજાર મેઈન રોડ, રામનાથપરા મેઈન રોડ, ગુજરી બજાર રોડ, કેનાલ રોડ, યાજ્ઞિક રોડ, જવાહર રોડ, રાજકોટ નાગરિક બેંક ચોકથી કલેકટર ઓફિસ તથા હોસ્પિટલ ચોક સુધીના બંને રસ્તા, જંકશન સ્ટેશનવાળો રોડ, જંકશન પ્લોટ મેઈન રોડ, ઢેબર રોડ, જવાહર રોડ, ટાગોર રોડ, પેડક રોડ, ગોવિંદબાગ શાકમાર્કેટ રોડ, સંતકબીર રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ, હનુમાનજી મઢી ચોકથી એરપોર્ટ ફાટક સુધીનો રસ્તો, અમીન માર્ગ, યુનિવર્સિટી રોડ, કોઠારીયા રોડ, ૮૦ ફુટ રોડથી વાણીયાવાડી મેઈન રોડ અને જલારામ ચોક સુધીનો રસ્તો, અટીકા ફાટકથી નારાયણનગર મેઈન રોડ, દેવપરા શાકમાર્કેટ સુધીનો રસ્તો, દેવપરા મેઈન રોડ, મવડી મેઈન રોડ, નાનામવા મેઈન રોડ, ગુંદાવાળી મેઈન રોડ, કેવડાવાડી મેઈન, લક્ષ્મીવાડી મેઈન રોડ, મિલપરા મેઈન રોડ, દુધસાગર માર્ગ, નંદા હોલથી હરીધવા માર્ગ, મેહુલનગર મેઈન રોડ, રેસકોર્સ રીંગ રોડ તથા રેસકોર્સ અંદરનો એરીયા, રેલવે જંકશન, ભકિતનગર સર્કલ અને એસ.ટી.બસ સ્ટેન્ડ આજુબાજુના વિસ્તાર સહિતના ૪૮ રાજમાર્ગો પર પાણીના પાઉચનું વેચાણ કે ઉપયોગ કરી શકાશે નહીં.

આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાની કલમ ૩૭૬/એ હેઠળ પગલા લેવામાં આવશે. જરૂર જણાયે સીઆરપીસીની કલમ ૩૩૩ હેઠળ જાહેરમાં ન્યુશન્સ ઉભુ કરવા માટે જરૂરી ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.