પરણેલા ભારતીય દંપત્તિને પાંચ વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થઈ હોય તો સરોગેસીનો લાભ લેવાની છુટછાટ આપતું બીલ લોકસભામાં મંજુર
ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સૌથી ઉપર છે ત્યારે ભાડુતી કુખ એટલે કે સરોગસીને પણ લોકસભામાં કેટલીક મર્યાદાઓ સાથે મંજુરી મળી ગઈ છે. સરોગસીનો ઉપયોગ ભારતીય દંપતિ લગ્ન જીવનના પાંચ વર્ષ બાદ પણ સંતાન પ્રાપ્તિ ન થતી હોય તેવા સંજોગોમાં નજીકના સગાની કૂખ ભાડે લઈ શકે છે પરંતુ પૈસા લઈને કૂખ ભાડે આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે પશ્ચિમી દેશોમાં સરોગસીનો આ ટ્રેન્ડ ખુબ જ ચાલ્યો છે. પૈસા લઈને કોઈપણ સ્ત્રી પોતાની કૂખ ભાડે આપે છે પરંતુ ભારતીય સંસ્કૃતિમાં ગર્ભના સંસ્કારોને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે માટે સરોગસી માતા બનનાર સ્ત્રી નજીકની વ્યકિત હોય તે વધુ જરૂરી છે.
લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન સરોગસી બીલ ૨૦૧૬ને મંજુરી મળી છે.
આ સાથે સરોગસી બીલમાં કેટલીક મહત્વની મર્યાદાઓ પણ રાખવામાં આવી છે. જેમાં સીંગલ હોય, સમલેંગીક સંબંધો ધરાવતા હોય કે પછી લીવ એન્ડરીલેશન શિપમાં રહેતા કપલ સરોગસી માટે મંજુરી નહીં મેળવી શકે.
આ સાથે જેઓને એક પણ સંતાન હોય તેઓ પણ સરોગસી માટે યોગ્ય નહીં ગણાય. આ ઉપરાંત માત્ર ભારતીય પરીવારો માટે જ સરોગસી બીલને મંજુરી આપવામાં આવી છે. એનઆરઆઈ કે પીઆઈઓને મંજુરી નથી.
મહત્વનું છે કે આ બીલ અંતર્ગત મહિલાઓ અને પુરુષોની વયમર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવી છે.
જેમાં ૨૩ થી ૫૦ વર્ષની મહિલાઓ અને ૨૬ થી ૫૫ વર્ષના પુરુષો સરોગસી માટે યોગ્ય ગણાશે અને જે મહિલાની કૂખ ભાડે લેવાશે તે તેના જીવનમાં બીજીવાર સરોગસીનો ઉપયોગ નહીં કરી શકે અને તેની કુખે જન્મેલા બાળક પર પણ તેનો અધિકાર નહીં રહે. સદભાવનાથી નિ:સ્વાર્થભાવે થતી સરોગસીને જ માન્યતા અપાશે.
સરોગેટ માતા બાળકને જન્મ આપે તેને માટે પૈસાની માંગણી નહીં કરી શકે.
મહત્વનું છે કે સરોગસી બીલને ઓગસ્ટ-૨૦૧૬માં સંસદમાં મંજુરી મળી હતી અને નવેમ્બર ૨૦૧૬માં આ બીલને લોકસભામાં મુકવામાં આવ્યું હતું અને પાર્લામેન્ટરી સ્ટેન્ડી કમિટી અને હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેરે જાન્યુ.૨૦૧૭માં બીલને યોગ્ય ઠેરવ્યું હતું અને અંતે લોકસભામાં આ બીલને મંજુરી મળી છે.