રાજ્યમાં આવા નિયંત્રણો ન લાદવા સમીર શાહની અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલને લેખિતમાં રજૂઆત
ખાદ્યતેલ અને તેલિબિયાના વેપાર ઉદ્યોગ પર સ્ટોક મર્યાદા જેવા નિયંત્રણો ન નાખવા સમીર શાહે અન્ન-નાગરિક પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી છે. ખાદ્યતેલના વધતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે 08/10/2021 ના રોજ બહાર પાડેલ પરિપત્ર અનુસાર ખાદ્યતેલ અને તેલિબિયા ના વેપાર ઉદ્યોગ પર સ્ટોક લીમીટ જેવા નિયંત્રણો નાખવાની રાજ્ય સરકારોને સત્તા આપી છે. રાજ્ય સરકારને સત્તા આપવા પાછળનો હેતુ દરેક રાજ્યોમાં પ્રવર્તતી પરિસ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય લઈ શકાય તે માટેનો છે.
ગત વર્ષે ખેડૂતોને તેલિબિયા ના સારા ભાવ મળવા ઉપરાંત અનુકૂળ વાતાવરણને કારણે આપણાં રાજ્યમાં મગફળી, સોયાબીન જેવા તેલિબિયા પાકોનું મબલખ ઉત્પાદન થયું છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અઢી દાયકાનું સર્વોતમ ઉત્પાદન થનાર આપણાં દેશમાં ખાદ્યતેલ ની મોટી ખાદ્ય છે. અને આપણે આપણી જરૂરિઆતનું 65% ખાદ્યતેલ અન્ય દેશોમાથી આયાત કરીએ છીએ આ આયાતકારો પર કોઈ સ્ટોક મર્યાદા નાખવાની જોગવાઈ નથી. તો માત્ર સ્થાનિક ઉદ્યોગકારો,વેપારીઓ પર જ શામાટે?
આપણી આયાત પરની નિર્ભરતા ઓછી કરવા સ્વદેશી તેલના વપરાશને પ્રોત્સાહિત કરવાની જરૂર છે ત્યારે આવા નિયંત્રણો લાદવાથી સ્વદેશી તેલોનો વપરાશ ધટશે. ખાદ્યતેલ ના ભાવની વધધટ સંપુર્ણ પણે વિદેશી બજાર પર નિર્ભર છે. જો આયાતી તેલોના ભાવ ઘટે તો જ સ્વદેશી તેલના ભાવ ઘટશે. માટે ભાવ ધટાડવા નિયંત્રણો લાદવા નિરર્થક છે.
અત્યારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો મગફળીની આવકોથી છલકાય છે. ને શિંગતેલના 15 કિલો ડબાના ભાવ રૂા.2700 થી 2750ની ઉપલી સપાટીથી ધટી રૂા.2525-2550 જેવા થયા છે. જે પ્રતિ ડબે રૂા.200 નો ઘટાડો સુચવે છે. હવે જો સ્ટોક મર્યાદા જેવા નિયંત્રણો આવશે તો મિલર્સ તેમજ પ્રોસેસર્સ મગફળીની ખપજોગી જ ખરીદી કરશે જેને કારણે ખેડુતોને યોગ્ય ભાવ મળશે નહીં અને આગામી વર્ષોમાં મગફળીનું વાવેતર ધટશે.
તદ્ઉપરાંત સરકારે ગત વર્ષે જે ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા તેમાં બીજા કાયદામાં સ્પષ્ટ પણે ઉલ્લેખ છે કે, આવા નિયંત્રણો સરકાર અસાધારણ સંજોગો જેવા કે યુદ્ધ, કુદરતી આફત અથવા 100% ભાવ વધારો થાય ત્યારેજ નાખી શકે છે. મગફળીને શિંગતેલના ભાવો જોશો તો તેમાં ગત વર્ષ દરમ્યાન માત્ર 15 થી 20% જેટલો જ વધારો થયો છે. તો આવા નિયંત્રણો નાખવા માટે કોઈ સંજોગો સ્વર્તમાન નથી.
છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારની અનુકુળ નીતિને કારણે ખાદ્યતેલ ઉદ્યોગ રાજ્યમાં ઊતરોતર પ્રગતિ કરી રહ્યો છે ને નવા નવા યુનિટો પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આ એકમોની અંદરો અંદરની હરિફાઈને કારણે સ્વદેશી તેલોના ભાવ, ખાસ કરીને શીંગતેલના ભાવો અન્ય તેલોની સરખામણીએ ઘણા ઓછા વધ્યા છે. આયાતી તેલો જેવા સનફ્લાવર, સોયાબીન,પામોલિન વગેરેના ભાવોમાં 50 થી 55% જેટલો ભાવ વધારો થયો છે.
જ્યારે શીંગતેલના ભાવોમાં માત્ર 20% જ વધારો થયો છે. અત્યારે તમામ વેપાર ઉદ્યોગ મુશ્કેલ પરિસ્થિતિયો પસાર થઈ રહ્યાં છે તેવે સમયે આવા નિયંત્રણો નાખવાથી બિનજરૂરી કનડગત, ભ્રષ્ટાચાર વગેરેને ઉતેજન મળશે જેના આગામી સમય દરમ્યાન વિપરિત પરિણામો આવશે. તો આવા નિયંત્રણો રાજ્યમાં ન નાખવા ગુજરાત રાજ્ય ખાદ્યતેલ અને તેલિબિયાં સંગઠનના પ્રમુખ સમીર શાહે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલને લેખિતમાં વિનંતી કરી છે.