અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ
સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ આધારીત પ્રોજેકટો મારફત પીવાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવાની કામગીરી કાર્યરત છે. જેના મારફત છેવાડાના વિસ્તાર સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડવું અનિવાર્ય છે. જેની પાઈપલાઈન સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી હોય સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ એક જાહેરનામા દ્વારા જિલ્લામાંથી પસાર થતી પાઈપલાઈન નેટવર્કમાંથી ગેરકાયદેસર રીતે પાણી લેવા તથા વાલ્વ સાથે ચેડા કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ આધારીત પીવાના પાણીની ઉપરોકત જીડબલ્યુઆઈએલ પ્રોજેકટ પાઈપલાઈન પર લગાવેલ એરવાલ્વ તેમજ પાઈપલાઈન સાથે ચેડા કરીને પીવાના પાણીની ચોરી અટકાવવા માટે અટકાયતી પગલા લેવા અત્યંત જરૂરી અને આવશ્યક છે. તેમજ ખુબ જ અનિવાર્ય જણાય છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પાઈપ લાઈનોમાં ચેડા ન કરવામાં આવે અને પાણીના જથ્થાનું પીવા માટે ન્યાયિક રીતે સમાન ધોરણે વિતરણ કરવાના ઉમદા હેતુસર અને લોકહિતને ધ્યાને રાખી પાણી ચોરી અટકાવવા આ જિલ્લામાંથી પસાર જીડબલ્યુઆઈએલ પ્રોજેકટની પીવાના પાણીની પાઈપ લાઈનોના વિસ્તારમાં તારીખ- ૨૮/૦૬/૨૦૧૯ સુધી ગેરકાયદેસર રીતે પાણી લેવા તથા વાલ્વ સાથે ચેડા કરવા સહિતના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
પીવાના પાણીની પાઈપ લાઈનોમાંથી કોઈ વ્યકિત સંસ્થા કે ખાતેદાર બિનઅધિકૃત રીતે પાઈપલાઈન પર લગાવેલ એરવાલ્વ, સ્લુઝ વાલ્વ, સ્કાવર વાલ્વ, ઝીરોવેલોસીટી વાલ્વ સાથે ચેડા કરીને ખેતરોમાં પિયત કરવાની કામગીરી કરવી નહીં. જીડબલ્યુઆઈએલ પ્રોજેકટની પીવાના પાણીની પાઈપલાઈનમાંથી કોઈ વ્યકિત સંસ્થા કે ખાતેદારના ખેતરમાં આવેલ પાઈપલાઈન તેમજ એરવાલ્વની સાથે ચેડા કરીને ભુગર્ભ પાઈપલાઈન નેટવર્ક મારફતે અન્ય ખેતરોમાં ગેરકાયદેસર રીતે પીવાના પાણીનો બગાડ કરી પિયત કરવાની કામગીરી કરવી નહીં. જિલ્લામાંથી પસાર થતી જીડબલ્યુઆઈએલ પ્રોજેકટની પીવાના પાણીની પાઈપલાઈન જે તે ખાતેદારોના ખેતરમાંથી પસાર થાય છે. જે અનુસંધાને ગુજરાત વોટર ઈન્ફ્રાટ્રકચર લીમીટેડ મારફતે જે તે સમયે જમીન વપરાશ અધિનિયમ-૨૦૦૫ અન્વયે આર.ઓ.યુ.ની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પીવાના પાણી માટેની દરેક પ્રકારની પાઈપલાઈન કે એરવાલ્વમાં તોડફોડ કે ચેડા કરવા કરવા નહીં. અનધિકૃત ઈસમો/સંસ્થા કે ખાતેદારો દ્વારા ગેરકાયદેસરના કનેકશનો લેવા નહીં. તેમજ પાઈપલાઈનની પથરેખામાં આવતા તળાવ/વોકળા, ચેકડેમો/કુવા ખેત તલાવડી ભરીને ઈલેકટ્રીક/ડીઝલ મશીનરી મારફતે ખેતરોમાં પિયત કરવાની કામગીરી કરવી નહીં તેમજ પાણીનો દુરપયોગ બગાડ કે વેચાણ કરવું નહીં.