કોરોનાનો વધતા કેસોને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો: જાહેરનામું પ્રસિઘ્ધ
જામનગરમાં કોરોનાના વધતા સંક્રમણનાં કારણે મહાપાલિકા દ્વારા ફકત ઈમરજન્સી કામ સિવાય કચેરીમાં પ્રવેશબંધી લાદતું જાહેરનામું પ્રસિઘ્ધ કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકામાં બિનજરૂરી આંટા-ફેરા કરતા લોકોને રોકવા માટે પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે . જો કે અગત્યના કે ઈમરજન્સી કામ માટે લોકો જામનગર મહાનગરપાલિકામાં જઈ શકશે.
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું હતું જે અનુસંધાને જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ લોકોને જે.એમ.સી. માં પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ મહાપાલિકામાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ સિવાય મહાપાલિકામાં કામ વગર પ્રવેશ કરી શકશે નહીં.ફકત ઈમરજન્સી કામ માટે જ લોકો મહાપાલિકામાં આવી શકશે. વેરો ભરવાની જેવી કામગીરી સહિત અન્ય કામગીરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ કમિશ્નર સતિષ પટેલે જણાવ્યું હતું. જામનગર શહેરમાં વધતા સંક્રમણને ધ્યાને લઈને મહાપાલિકા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.