૧૫૦થી વધુ સ્થળોએ પ્રતિબંધીત પ્લાસ્ટીક અંગે ચેકિંગ: રૂ.૫૩ હજારનો દંડ વસુલાયો
શહેરમાં તમામ પ્રકારના પ્લાસ્ટીકના વેંચાણ, સંગ્રહ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જે અંતર્ગત આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પ્લાસ્ટીક અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯૫ કિલો પ્લાસ્ટીકનો જથ્થો અને ૨૨૫૦ ચાના પ્લાસ્ટીકના કપ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઈસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ૮૦ ફૂટ રોડ, સંતકબીર રોડ, કોઠારીયા રોડ, કુવાડવા રોડ, ભાવનગર રોડ અને પેડક રોડ સહિતના વિસ્તારોમાં ૫૦ આસામીઓને ત્યાં ચેકિંગ દરમિયાન ૧૨ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ચાના પ્લાસ્ટીકના ૫૫૦ કપ જપ્ત કરવામાં આવ્યા હતા.
જયારે સેન્ટ્રલ ઝોનમાં અલગ અલગ સ્થળોએ હાથ ધરવામાં આવેલ ચેકિંગમાં ૬૦૦ નંગ પ્રતિબંધીત પ્લાસ્ટીકના કપ, ૮ કિલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી રૂ.૧૬૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જયારે વેસ્ટ ઝોન કચેરીની સોલીડ વેસ્ટ શાખા દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ, અમીન માર્ગ, લાખના બંગલા વાળા રોડ, નાના મવા રોડ, લક્ષ્મીનગર મેઈન રોડ અને મવડી વિસ્તારમાં ૬૬ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત ૭૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક અને ૧૧ નંગ ચાના કપ જપ્ત કરાયા હતા.