રાષ્ટ્રીય સ્તરે પ્રોજેકટ પ્લાનિંગ તેમજ અમલીકરણ માટે કેન્દ્ર સરકારે લીધું મહત્વપૂર્ણ પગલું
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, રસ્તાઓ, રેલવે અને અન્ય સેવા નિર્માણની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવા માટે ૨૦ સભ્યોનું જૂથ બનાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે સોમવારે કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોના એમ્પાવર્ડ ગ્રૂપની રચના વિશે માહિતી આપી હતી. આ જૂથ પીએમ ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના વિકાસ અને અમલીકરણની દેખરેખ રાખશે.
આ જૂથ જરૂરિયાત મુજબ યોજનામાં ફેરફાર કરવા માટેનું માળખું અને માપદંડ પણ નક્કી કરશે અને યોજનામાં પહેલાથી જ સમાવિષ્ટ પ્રોજેક્ટ્સમાં ફેરફારો માટે સંકલન કરશે. તે તમામ હિસ્સેદારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સામાન્ય એકીકૃત પોર્ટલ દ્વારા તમામ વિકાસ પહેલને એકસાથે લાવશે. આ સાથે, યોજનાના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની ફરિયાદો અને સંબંધિત મંત્રાલયોની માંગણીઓને પહોંચી વળવા માટે યોગ્ય માર્ગદર્શિકા બહાર પાડશે.
આ જૂથમાં રેલવે બોર્ડના અધ્યક્ષ ઉપરાંત માર્ગ, શિપિંગ, નાગરિક ઉડ્ડયન, ટેલિકોમ્યુનિકેશન, કોલસો, ખાણો અને કૃષિ મંત્રાલયો સહિત તમામ મુખ્ય મંત્રાલયોના સચિવોનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ ૧૩ ઓક્ટોબરે અર્થતંત્રને વેગ આપવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે રૂ. ૧૦૦ લાખ કરોડનો નેશનલ માસ્ટર પ્લાન લોન્ચ કર્યો હતો. પીએમ ગતિ શક્તિ યોજના એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા વિવિધ મંત્રાલયો અને વિભાગો વચ્ચે રીઅલ-ટાઇમ સંકલન દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.