પીએમ કિશાન નિધી યોજનાનો 11મો હપ્તો જમા કરાવી વડાપ્રધાન ખેડૂતોના હામી બન્યા
ભારત દેશ આઝાદ થયાના 75માં વર્ષની આપણી સૌ ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. સાત દાયકા બાદ કૃષિ પ્રધાન દેશ ભારતમાં જગતાતને જગત જમાદાર જેવું સન્માન પ્રાપ્ત થઇ રહ્યું છે. પીએમ કિશાન સન્માન નિધી યોજનાના 11મો હપ્તા પેટે આજે 21 હજાર કરોડની માતબર રકમ મોદી સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવી છે.
ગુજરાતના પણ 28 લાખથી વધુ ખેડૂતોને આજે કરોડો રૂપિયા ચૂકવાયા છે. અગાઉ દેણાં ડૂબેલો ખેડૂત સમૃદ્વ બની રહ્યો છે. આજથી થોડા વર્ષો પહેલા વાવણીની મૌસમમાં ખેડૂતોએ શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેવા પડતા પરંતુ હવે જગતાત માટે નવો જ સૂર્યોદય થયો છે. મોદી સરકારે પીએમ કિશાન સન્માન નિધી યોજનાથી ખેડૂતોની સુખાકારી વધી છે સાથોસાથ આર્થિક સ્થિતિ પણ સારી બની છે.
એક-બે નહિં પરંતુ 11મો હપ્તો આજે ખેડૂતોના ખાતામાં જમા કરાવીને મોદી સરકારે વધુ એકવાર સાબિત કરી દીધું છે કે તેઓની સરકાર માત્રને માત્ર ખેડૂતોના હિતને વરેલી સરકાર છે. એક નાના રાજ્યનું જેટલું બજેટ હોય તેથી પણ વધુ રકમ ખેડૂતોને આપવામાં આવી છે. આ યોજનાનું નામ પણ એવું સરસ આપવામાં આવ્યું છે. સરકારી સહાય મેળવનાર પણ સન્માનની લાગણી અનુભવે.
ચોમાસાની સીઝન શરૂ થઇ રહી છે. તે પૂર્વે મોદી સરકારે ખેડૂતોના ખાતામાં 21 હજાર કરોડની માતબર રકમ ઠાલવી દીધી છે. જેને એક પ્રકારે લોકપ્રિયતાની વાવણી કરી હોય તેવું પણ કહી શકાય કારણ કે અત્યારે ખેડૂતોને ખાતર, બિયારણ, દવા કે ખેતીના ઓજારો ખરીદવા માટે નાણાની જરૂરીયાત હોય છે. તેવા સમયે જ સરકાર મજબૂત સહારો બનીને સાથે ઉભી રહી છે. ખેડૂતો માટે યોજનાઓ તો અનેક જાહેર કરાય છે. પરંતુ તેની અમલવારી કરવામાં મોદી સરકારના તોલે કોઇ આવે તેમ નથી.