રાજકોટ ચેમ્બરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સોની વેપારી મયુરભાઈ આડેસરાને પ્રતિનિધિત્વ મળતા સોની સમાજમાં હરખની હેલી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સોની સમાજના જાણીતા વેપારી આગેવાન વિજેતા થયા છે. જેથી રાજકોટ ચેમ્બરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત સોની સમાજને પ્રતિનિધિત્વ મળતા શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગઈકાલે સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ અને વિવિધ સંસ્થાઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના તમામ નવનિયુકત સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં સોની સમાજના ભાઈ-બહેનો ઉમટી પડયા હતા.
સોની સમાજના યુવા વેપારી મયુરભાઈ આડેસરા તાજેતરમાં યોજાયેલી ચેમ્બરની ચૂંટણીમાં વી.પી.વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલમાંથી વિજયી બન્યા છે. જેથી ટ્રસ્ટ દ્વારા મયુરભાઈ ઉપરાંત વી.પી.વૈષ્ણવ, શિવલાલ બારસીયા, નિલેશભાઈ ભાલાણી (ભીમભાઈ) સહિતના ચેમ્બરના તમામ નવનિયુકત સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં ગ્રેટર ચેમ્બર, સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર જેવી સંસ્થાઓ અને ઝાલાવાડી વિશા શ્રીમાળી સોની, હાલારી શ્રીમાળી સોની, પરજીયા પટણી, ગિરનારા સોની સહિતના સમાજોના આગેવાનોએ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા.
આ સન્માન સમારોહના આયોજન સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઈ વઢવાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શ્રીમાળી સોની સમાજ એક મોટો સમાજ છે. ઘણા વર્ષોથી ચૂંટણીમાં અમારા લોકો ઉભા રહેતા હતાં પરંતુ અમે કયારેય વિજય થતા ન હતા. ૬૦ વર્ષમાં પહેલી વખત અમારો વિજય થયો છે અને એકતા બતાવવા માટે ખાસ ઉદ્દેશ છે કે સોની સમાજનું કયારેય પ્રતિનિધિત્વ કોમર્સમાં નહોતુ મળતું ચેમ્બર ઓફ કોમર્સ એવી સંસ્થા મહાજન છે. ખરેખર મહાજન જ નહોતા આવતા બીજા લોકો આવી જતા હતા એના માટે આપણને એ મળ્યું એનો આનંદ વ્યકત કરવા માટે કે સોની સમાજ સાથે છીએ એ બતાવવા માટેનો ઉદેશ્ય છે.
આમાં ઘણી બધી સંસ્થાઓને આમંત્રણ આપ્યું હતું તે તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજર રહીને સન્માન કર્યું છે. ઉદેશ્ય મુળ એકતા માટેનો છે. શ્રીમાળી સોની સમાજ માટે સમસ્ત સોની સમાજને એકઠા કરવાનો મુખ્ય ઉદ્દેશ છે. અમે અમારી સક્ષમતા લેવલે સારા કામો કરીએ છીએ અમે આ જે તક મળી છે એને ઝડપીને આ કાર્યક્રમ કર્યો છે તેમ અંતમાં ઉમેર્યું હતું.
ચેમ્બરમાં નાની વયે સોની સમાજનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું તે ગૌરવની વાત: મયુરભાઈ આડેસરા
રાજકોટ ચેમ્બરમાં સોની સમાજમાંથી ચૂંટાયેલા મયુરભાઈ આડેસરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની યોજાયેલી ચૂંટણીમાં અમારી વાઈબ્રન્ટ પેનલ વિજેતા થઈ છે અને તેમાં વી.પી.વૈષ્ણવ પ્રેરીત આખી પેનલ છે. તેમાં સર્વ જ્ઞાતિ અને તમામ એશોસીએશન સાથે રાખી એક પેનલ બનાવી હતી. રાજકોટના તમામ ઉદ્યોગકારો અને વેપારી મિત્રોએ ખુબ જંગી બહુમતિથી અમારી પેનલને વિજેતા બનાવી છે અને અમારા સોની સમાજની વાત કહુ તો અમારા સોની સમાજના ૧૦૦ ટકા મતદાન અમને મળ્યું છે અને ખૂબ જ ગૌરવની વાત છે કે મને એક નાની વયના પ્રતિનિધિ તરીકે અમારા મતદાતાઓએ અમને પુરેપુરો સહયોગ આપ્યો. પોતાના વેપાર ધંધા છોડીને પણ મતદાન કરવા આવેલ હતા તો સમગ્ર સોની સમાજનો અને મતદાતાનો અમે ખૂબ ખૂબ જ આભાર માની છીએ અને સાથે જે જવાબદારી મુકેલ છે તો હું એવી ખાતરી આપુ છું કે આપણી ઈન્ડસ્ટ્રીઝના તમામ પ્રશ્ર્નોના ઉકેલ માટે મારો હંમેશા શ્રેષ્ઠ પ્રયાસ રહેશે.