ભાદરમાં નર્મદા નીર આવી પહોંચતા ૨૦ લાખ લોકોની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી આપ્યું
રાજકોટ જિલ્લા સહિત તેના આસપાસના જિલ્લાના પ્રજાજનો માટે પાણીના મુખ્ય સ્ત્રોત એવા ભાદર ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદા નીર અવતરણ થતા સમગ્ર વિસ્તારનાં લોકોમાં હરખની હેલી છવાઈ ગઈ છે ત્યારે રાજુભાઈ ધ્રુવે આ અંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં સતત માર્ગદર્શન, અંગત કાળજી અને સુંદર પ્રયાસોનાં પરિણામસ્વરૂપે સૌની યોજના હેઠળ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમ, ન્યારી-૧ ડેમમાં નર્મદાના નીર અવતરણ થયા બાદ ભાદર ડેમમાં પણ નર્મદાનાં નીર અવતરણ થતા માત્ર રાજકોટ જ નહીં પરંતુ જેતપુર, ગોંડલ, શાપર વેરાવળ ઉપરાંત ભાદર અને રાજકોટ વચ્ચેના અન્ય ૧૪ ગામોની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ ગઈ છે. આજી નદીની શાખા પાસેના રાજકોટ તાલુકાના ગામ કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરી પાઈપલાઈન મારફત રીબડા ગામ સુધી પાણી પહોંચાડાયું છે અને રીબડા ધારથી નદી મારફત પાણી ભાદર ડેમ સુધી પહોંચ્યું છે. જેથી ગોંડલ શહેરના વેરી તળાવ તેમજ સેતુબંધ અને આશાપુરા ચેકડેમો પણ ઓવરફ્લો થયા છે અને ત્યાંથી નદીનાં રસ્તે પાણી છેક ભાદર ડેમમાં આવી પહોંચ્યું છે. કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે જે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરવામાં આવી રહ્યું છે તેમાં એક પમ્પની ક્ષમતા ૨૪ કલાકમાં ૮.૨૫ એમ.સી.એફ.ટી. પાણી ઉપાડવાની છે અર્થાત ત્રણેય પંપ ચોવીસે કલાક ચાલુ રહેતા રોજ ૨૫ એમ.સી.એફ.ટી જળ જથ્થો ભાદર ડેમમાં ઠલવાઈ રહ્યો છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી માત્ર પ્રત્યેક રાજકોટવાસીની જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકોની પાણીની મુશ્કેલીથી સારી પેઠે પરિચિત હોઈ રાજકોટને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા સતત પ્રયત્નશીલ રહ્યાં છે તેના કેટકેટલાય દ્રષ્ટાંતો આપણી નજર સમક્ષ છે. તેઓ સૌની યોજના હેઠળ રાજકોટના આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવા સંકલ્પબધ્ધ થયા અને માત્ર ૭ મહિનાના ટુંકાગાળામાં ૩૧ કિ.મી.ની પાઇપલાઈન યુદ્ધના ધોરણે નંખાવી રાજકોટવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ યોજના ૩૮૦ કરોડના ખર્ચે સાકાર થઈ છે. આ સિદ્ધિ બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ઉત્કૃષ્ટ જળ વ્યવસ્થાપન માટે પ્રશંશા કરી હતી.સૌરાષ્ટ્ર માટે જીવાદોરી સમાન સૌની યોજના ના ઝડપી અને અસરકારક અમલીકરણ માટે જેટલા અભિનંદન પાઠવીએ એટલા અભિનંદન ઓછા પડે તેમ છે.
ગત વર્ષે વરસાદ ઓછો પડ્યો હોવાથી સૌરાષ્ટ્રના ઘણા ડેમોમા પાણીનો જથ્થો નહીંવત છે, સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી વિશાળ ડેમ એવા ભાદરમાં સાડા ત્રણ ફૂટ જેટલું પાણી બચ્યું હતું. જેના કારણે રાજકોટ, જેતપુર, વીરપુર, ખોડલધામ અને અમરનગર જૂથ યોજનાના ૨૨ જેટલા ગામોની વીસ લાખ જેટલી પ્રજા માટે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ હતી. પરંતુ થોડા દિવસ પૂર્વે ગુંદાસર ગામથી ગોંડલના વેરી તળાવમાં નર્મદાનું પાણી આવી પહોંચ્યું અને આ તળાવ ઓવરફ્લો થઈને તેનું પાણી ગોંડલી નદી મારફત ભાદર ડેમમાં આવી પહોંચતા અંદાજે ૨૦ લાખ જેટલા લોકોની પીવાના પાણીની સમસ્યાનું સમાધાન થઈ ચૂક્યું છે.
ગુજરાતનાં ઈતિહાસમાં અત્યંત અગત્યની અને ખેડૂતો તથા સામાન્ય લોકો માટે ખૂબ જ મહત્વની સાબિત થયેલી મહત્વકાંક્ષી સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી ભાદર ડેમમાં પહોચતા રાજકોટ અને તેની આસપાસનાં જિલ્લા તથા તેના ગામોમાં ફરી એક વખત પાણીનો દુકાળએ ભૂતકાળ બની બન્યો છે. અને એ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં પ્રજાલક્ષી કાર્યોની જેટલી પણ પ્રસંશા કરીએ એટલી ઓછી પડે કેમ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સપ્નસમાન સૌની યોજનાને વિજયભાઈ રૂપાણી જમીન પર ઉતારી વાસ્તવિક બનાવવામાં સફળ સાબિત થયા છે અને મા નર્મદા ના પવિત્ર જળ રૂપી મીઠા ફળ સૌરાષ્ટ્ર ની પ્રજા ને પહોંચાડ્યા છે. જ્યારે-જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણીની તંગી સર્જાઈ છે ત્યારે-ત્યારે વિજયભાઈ રૂપાણીએ ત્વરિત પ્રજાલક્ષી પગલા લઈ નર્મદાનું પાણી જન-જન સુધી પહોચાડી પોતાનું પ્રજા વાત્સલ્ય અને પાણી બતાવ્યું છે એવું રાજુભાઈ ધ્રુવે સૌની યોજના ની સફળતા રૂપી મીઠા જળ ને ભાદર ડેમ ખાતે આવકારતા જણાવ્યું છે.