૧૨ ગામોના ખારવા સમાજના પ્રમૂખોની હાજરીમાં જૂના મનદુ:ખ ભૂલી સમાધાનનો સેતુ રચાયો
ગુજરાત ખારવા સમાજની આગેવાનીમાં જાફરાબાદ મુકામે કામનાથ મહાદેવ મંદિરના હોલમાં મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મીટીંગમાં ગુજરાત ખારવા સમાજનાં પ્રમુખ પ્રેમજીભાઈ વેલજીભાઈ ઉપપ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા ૧૨ ગામના ખારવા સમાજના પટેલ આગેવાનો અને જાફરાબાદ ખારવા સમાજના લોકો ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહેલ હતા.
જાફરાબાદ ખારવા સમાજમાં એકતા કાયમ બની રહે તેવા હેતુથી તેમજ ખારવા સમાજમાં કેટલાક પ્રશ્ર્નોને લઈને ચાલતા મતભેદો દુર કરવા અને સમાજમાં એકતા અને સંગઠન જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સમાજના આગેવાનો દ્વારા સમાજના સૌ લોકોને સમજાવેલ હતા. જેના ફળ સ્વપે તેમજ ભગવાન શ્રી કામનાથ મહાદેવ અને ઈષ્ટદેવ રામદેવજી મહારાજની કૃપા દ્રષ્ટીથી સમાજના કેટલાક લોકો સાથે રહેલા મતભેદો દુર થયેલ હતા અને સુખદ સમાધાન ખારવા સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલ હતું જેને લઈને સમગ્ર સમાજમાં ખુશી અને આનંદની લાગણી વ્યાપેલ હતી અને સૌ સમાજે એકી અવાજે આ સુખદ સમાધાનને વધાવી લીધેલ હતું. તેમજ ફુલહાર અને મોં મીઠા કરીને તેમજ ફટાકડા ફોડીને સૌએ આ સુખદ સમાધાનને વધાવ્યું હતું.
આ મીટીંગમાં ગુજરાત ખારવા સમાજ દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવેલ જેમાં સમાજના આગેવાન એવા કિશોરભાઈ મોહનભાઈ કુહાડાને સરકાર દ્વારા રાજયસભા સાંસદ તરીકે પસંદ કરીને સમાજનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર દેશની રાજયસભામાં મોકલવામાં આવે તેવો ઠરાવ પસાર કરવામાં આવેલ હતો. ઉપરાંત ખારવા સમાજના વિષ્ણુભાઈ ભાલીયાને તાજેતરમાં મમતા વાર્તા સ્પર્ધામાં સમગ્ર વિશ્ર્વમાંથી કુલ ૨૯૩ વાર્તા સ્પર્ધકોમાંથી વિષ્ણુભાઈ ભાલીયાની વાર્તા પ્રથમ ક્રમે આવેલ જેથી અશિત મોદી દ્વારા અંધેરી (મુંબઈ) મુકામે તેઓનું ૫૧૦૦૦ રોકડ પુરસ્કાર તેમજ સન્માન સર્ટીફીકેટ આપેલ હતું જેને ખારવા સમાજ દ્વારા સમાજનું ગૌરવ ગણીને ગુજરાત ખારવા સમાજ દ્વારા પણ આજરોજ આ મીટીંગમાં ફુલહાર તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલ તેમજ આ રીતે સમાજના યુવાનો અને લોકો ખારવા સમાજનું વિશ્ર્વમાં નામ રોશન કરતા રહે તેવી સૌ સમાજના આગેવાનોએ શુભેચ્છા પણ પાઠવેલ હતી. આ વિષ્ણુભાઈ પાસેથી ખારવા સમાજના લોકો પ્રેરણા લ્યે અને લોકો ખુબ જ આગળ વધે તેવું સમાજના આગેવાનો દ્વારા સૌ સમાજને જણાવેલ હતું.આ મીટીંગમાં ખારવા સમાજના પટેલ નારણભાઈ કલ્યાણભાઈ, નરેશભાઈ રાજાભાઈ બારૈયા, માલાભાઈ કાનાભાઈ વંશ, બોટ એસોસીએશનનાં પ્રમુખ રાજેશભાઈ બારૈયા, આગેવાન રામજીભાઈ રાણાભાઈ બાંભણીયા, બચુભાઈ રામભાઈ બારૈયા, તુલશીભાઈ જગુભાઈ બાંભણીયા, શંકરભાઈ બાવભાઈ બારૈયા, માજી પ્રમુખ, ભગુભાઈ ગાડાભાઈ સોલંકી, છનાભાઈ ધીભાઈ બારૈયા, મંગાભાઈ કાનાભાઈ બારૈયા, રામભાઈ ગાંડાભાઈ સોલંકી, સંજયભાઈ મંગાભાઈ બારૈયા, અજયભાઈ રામજીભાઈ બારૈયા, સુરેશભાઈ ભગુભાઈ સોલંકી સહિતના ખારવા સમાજના આગેવાનો આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા.