વસુધૈવ કુંટુમ્બકમ્
ઝીલેન્સકીએ મોદી સાથે ફોન ઉપર વાત કરી, શાંતિ મંત્રણા માટે ભારત પાસે માંગી મદદ
અબતક, નવી દિલ્હી : મોદી હૈ તો મુમકીન હૈ… એક સમયે ભારતના આંતરિક પ્રશ્નો પણ ઉકેલવામાં અસમર્થ સાબિત થયેલો દેશ ભારત હવે વિશ્વ કક્ષાએ પોતાનો દબદબો ધરાવે છે. વિશ્વ આખાએ માની લીધું છે કે રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને એકમાત્ર ભારત જ પૂર્ણ કરાવી શકે છે. જેથી જ ઝીલેન્સકીએ મોદીને ફોન કરી શાંતિ મંત્રણા માટે મદદ માંગી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી પશ્ચિમી દેશો પાસેથી મળેલા શસ્ત્રોના બળ પર લગભગ 10 મહિનાથી રશિયા સામે ઝઝૂમી રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે તેઓ આ યુદ્ધથી થાકી ગયા છે. તેણે યુદ્ધ ખતમ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી છે. ઝેલેન્સકીએ પોતે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને ભારતને જી20 નું પ્રમુખપદ મળવા બદલ અભિનંદન પાઠવ્યા. આ પછી તેણે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે પીએમ મોદી પાસે મદદ માંગી, જેનો પીએમ મોદીએ સકારાત્મક જવાબ આપ્યો.
યુક્રેનના રાષ્ટ્રપતિએ યુક્રેનિયન અને અંગ્રેજી ભાષાઓમાં ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. ઝેલેન્સકીએ કહ્યું, ‘મેં નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને જી20નું અધ્યક્ષપદ મળવા બદલ અભિનંદન પાઠવ્યા. આ સંગઠનના મંચ પરથી મેં યુદ્ધ સમાપ્ત કરવા માટે શાંતિની ફોર્મ્યુલા આપી હતી, જેનો અમલ કરવા માટે સંસ્થાના પ્રમુખ ભારતે આગળ આવવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે પણ મેં તેમનો આભાર માન્યો.
મોદીએ ઝીલેન્સકીને ભારતનું તટસ્થ વલણ સમજાવ્યું
વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને કહ્યું કે તેઓ જી-20માં વિકાસશીલ દેશોનો અવાજ ઉઠાવશે. આમાં તે ખોરાક અને ઉર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કોલ દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ઝેલેન્સ્કીને વિનંતી કરી કે આ વર્ષની શરૂઆતમાં યુક્રેનથી ભારત પરત ફરવું પડે તેવા ભારતીય વિદ્યાર્થીઓના શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવે.
પુતિને પણ મોદીને થોડા દિવસ પહેલા ફોન કર્યો હતો
રસપ્રદ વાત એ છે કે થોડા દિવસો પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને બંને દેશોના સંબંધો વિશે વાત કરી હતી. જે બાદ હવે ઝેલેન્સકીએ પણ પીએમ મોદીને ફોન કરીને યુદ્ધ ખતમ કરવા માટે સહયોગ માંગ્યો છે. બંને દેશોના આ ધ્યાન પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ભારત આ યુદ્ધમાં સંપૂર્ણપણે તટસ્થ છે. તેણે ન તો તેના વિશ્વાસુ મિત્ર રશિયાની ટીકા કરી છે અને ન તો હુમલો કરવા માટે રશિયાની દલીલોને યોગ્ય ઠેરવી છે. રશિયા પાસેથી તેલની આયાત ઘટાડવાની પશ્ચિમી દેશોની વિનંતીને પણ ભારતે બહાદુરીથી ફગાવી દીધી છે, જેના કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધી છે.
જો ભારત યુદ્ધ અટકાવી દેશે તો અમેરિકા પણ તેનો દબદબો વધી જશે
હવે, બંને દેશોએ યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતની મદદ માંગી હોવાથી, માનવામાં આવે છે કે બેકડોર ચેનલ ડિપ્લોમસી દ્વારા આ સંઘર્ષને ઉકેલવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવશે. માનવામાં આવે છે કે ભારતની સક્રિયતાને કારણે આ યુદ્ધ ફેબ્રુઆરી પહેલા અટકી શકે છે. જો આવું થાય છે, તો તે ભારત અને મોદી સરકાર માટે એક મોટી રાજદ્વારી જીત હશે, જેના કારણે વિશ્વમાં ભારતનું વર્ચસ્વ વધુ વધશે.
રશિયા વાતચિત માટે તૈયાર, યુદ્ધ વિરામ માટે પુતીનની પહેલ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અવિરત ચાલુ છે. રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે. તે જ સમયે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયા યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે વાતચીત માટે તૈયાર છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રશિયા યુક્રેન પર સતત હુમલો કરી રહ્યું છે.રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધે યુક્રેનને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.
અલબત્ત, રશિયા યુક્રેનને હરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ યુક્રેનના સૈનિકો દ્વારા તેને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.તેની પાછળનું એક કારણ એ પણ છે કે નાટો દેશો યુક્રેનને હથિયારો સહિતની આર્થિક મદદ કરી રહ્યા છે, જેના કારણે તે આ યુદ્ધમાં હજુ પણ રશિયાની સામે ઊભું છે. તેણે તેના ઘણા વિસ્તારોને રશિયાથી આઝાદ પણ કરાવ્યા છે.