પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ સત્તાવાર ધોષણા: રાજકોટ, જુનાગઢ, જામનગર અને વડોદરામાં પાંચ કોર્પોરેટરો ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે
ગુજરાત વિધાનસભાની ગત ચુંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અલગ અલગ ચાર મહાનગરપાલિકાઓના કોર્પોરેટરોના કાઉન્સીલર પદેથી રાજીનામા લઇ લેવાનું મન ભાજપે બનાવી લીધું છે. આગામી સોમવાર અને મંગળવારના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ તમામ પાંચ ધારાસભ્યોને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવા આદેશ આપી દેવામાં આવશે.
ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં રાજકોટ મહાનગરપાલિકાના બે કોર્પોરેટર ભાનુબેન બાબરિયા અને ડો. દર્શિતાબેન શાહ ધારાસભ્ય પદે ચુંટાય આવ્યા છે. જે પૈકી ભાનુબેન બાબરીયાને નવી સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયા, જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબરી અને વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર કેયુરભાઇ રોકડીયાને ભાજપ દ્વારા વિધાનસભાની ટિકીટ આપવામાં આવી હતી. તમામ પાંચેય કોર્પોરેટરો ધારાસભ્ય તરીકે ચુંટાય આવ્યા છે.
હાલ આ પાંચેય પાસે બન્ને હોદાઓ છે. ધારાસભ્ય બનેલા પાંચેય પાસેથી કોર્પોરેટર પદેથી રાજીનામુ લઇ લેવામાં આવશે. તે વાત ફાઇનલ માનવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર ખાતે યોજાનારી પ્રદેશ ભાજપની કારોબારી બેઠક પૂર્ણ થતાની સાથે જ પાંચેયને નગરસેવક પદ છોડવા માટે આદેશ આપી દેવામાં આવશે.