એ.એમ.સી. જસ્મીન રાઠોડ અને ડે.એન્જિનિયર વિવેક ટોળીયાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ કર્મચારીઓ અને અધિકારીઓના રાજીનામાની જાણે મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં બે કર્મચારીઓએ રાજીનામું આપ્યા બાદ આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર અને ડે.એક્ઝિક્યુટીવ એન્જીનીંયરે મ્યુનિ.કમિશનર સમક્ષ સ્વેચ્છિક રાજીનામું આપી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, ચાર પૈકી માત્ર એક જ કર્મચારીનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેશનમાં આમ પણ સ્ટાફની અછત વર્તાઇ રહી છે. આમ કોઇ કારણોસર કર્મચારીઓ અને અધિકારીઓ રાજીનામા ધરી રહ્યા છે. થોડા દિવસ પહેલા સેક્રેટરી શાખાના હેડ ક્લાર્ક હસમુખભાઇ વ્યાસે રાજીનામું આપી દીધું હતું. તેઓનું રાજીનામું મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનર જસ્મીન રાઠોડ અને ડે.એક્ઝિક્યુટીવ એન્જીનીંયર વિવેક ટોળીયાએ મ્યુનિ.કમિશનર સમક્ષ સ્વેચ્છિક રાજીનામું ધરી દીધું છે. જો કે, હજુ સુધી તેઓના રાજીનામા મંજૂર કરવામાં આવ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રાજકીય દબાણ અને કામના ભારણના કારણે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ સરકારી નોકરી છોડી રહ્યા છે. પેન્શન સ્કેલમાં આવવા કેટલા વર્ષો પૂર્ણ થતાની સાથે જ રાજીનામું આપી ફરજમુક્ત થઇ જાય છે. રાજીનામા આપવાની આ મોસમ સતત ચાલી રહી છે.