અરવિંદભાઈ ભેંસાણીયા રાજીનામું આપતો પત્ર લઈ શહેર ભાજપ કાર્યાલયે પહોંચ્યા: પ્રમુખ હાજર ન હોય રાજીનામું સ્વીકારવાનો કાર્યાલય મંત્રીનો ઈનકાર
શહેર ભાજપમાં ભડકો થઈ ગયો છે. વોર્ડ નં.૫ના બે મહિલા નગરસેવિકાઓવચ્ચે છેલ્લા ઘણા દિવસથી સાઈન બોર્ડમાં નામ લખવાના મુદે ચાલતા વિવાદના કારણે આજે દક્ષાબેન ભેંસાણીયાએ કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવાની તૈયારી દર્શાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. દક્ષાબેન પતિ અરવિંદભાઈ ભેંસાણીયા આજે રાજીનામાનો પત્ર લઈ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. દરમિયાન શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી હાલ જસદણ ચુંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે તેઓની ગેરહાજરીમાં રાજીનામું પત્ર સ્વિકારવાનો કાર્યાલય મંત્રીએ ઈનકાર કરી દીધો હતો. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે રાજીનામા અંગે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ છેલ્લા ઘણા દિવસથી સામાકાંઠા વિસ્તારમાં વોર્ડનં.૫ ના ભાજપના બે મહિલાના નગરસેવિકા પ્રિતીબેન પનારા અને દક્ષાબેન ભેંસાણીયા વચ્ચે સાઈન બોર્ડમાં નામ લખવા મુદ્દે જબ્બરી બબાલ ચાલી રહી છે. આ મુદ્દે તાજેતરમાં દક્ષાબેને કોર્પોરેટર પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે શહેર ભાજપ પ્રમુખે ધમકી સામે વશ ન થતા રાજીનામું આપવું હોય તો આપી શકો છો તેવી તાકીદ પણ કરી હતી. દરમિયાન ગઈકાલે દક્ષાબેન ભેંસાણીયાએ માફી પત્ર આપી દેતા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનું જણાતું હતું.
આજે બપોરે અચાનક કોર્પોરેટર દક્ષાબેન ભેંસાણીયાના પતિ અરવિંદભાઈ ભેંસાણીયા કોર્પોરેટર પદેથી રાજીનામું આપતો પત્ર લઈ કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા. જયાં તેઓએ પ્રમુખને રાજીનામું આપવાની વાત જણાવતા કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી તથા ખજાનચી અનિલભાઈ પારેખે એવો જવાબ આપ્યો હતો કે, હાલ શહેર ભાજપ પ્રમુખ જસદણ ચુંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે તેઓની ગેરહાજરીમાં અમે રાજીનામું સ્વિકારી શકીએ નહીં. દરમિયાન અરવિંદભાઈ ભેંસાણીયા પોતાની પત્ની દક્ષાબેનનું કોર્પોરેટર પદેથી રાજીનામું આપતો પત્ર લઈ કાર્યાલય ખાતેથી રવાના થઈ ગયા હતા અને એવું જણાવ્યું હતું કે, જયારે શહેર ભાજપ પ્રમુખ આવશે ત્યારે તેઓ રાજીનામાનો પત્ર આપી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈપણ નગરસેવકે પોતાના હોદા પરથી રાજીનામું આપવું હોય તો પક્ષ પ્રમુખને નહીં પરંતુ બીપીએમસી એકટના નિયમ અનુસાર મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપતો પત્ર સુપ્રત કરવાનો રહે છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ રાજીનામા અંગે જણાવ્યું હતું કે, દક્ષાબેન ભેંસાણીયાએ કોર્પોરેટરપદેથી રાજીનામું આપ્યું નથી. તેઓ શહેર ભાજપ કાર્યાલયે ચોકકસ આવ્યા હતા પરંતુ રાજીનામા અંગે કોઈ વાત થઈ નથી. આટલું જ નહીં દક્ષાબેન કે અરવિંદભાઈએ મારી સાથે ટેલીફોન પર પણ રાજીનામાં અંગે કોઈ વાતચીત કરી નથી