- પારિવારિક જવાબદારી અને આરોગ્યલક્ષી સમસ્યાના કારણે રાજીનામું ધરી દીધું: મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા હજુ સુધી રાજીનામું મંજૂર કરાયું નથી
રાજકોટ મહાનગરપાલિકામાં કામના ભારણ અને સતત રાજકીય દબાણના કારણે ઉચ્ચ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી કોર્પોરેશન સાથે જોડાયેલા સ્પેશિયલ સિટી એન્જિનીંયર અલ્પનાબેન મિત્રાએ તાજેતરમાં રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. પારિવારિક જવાબદારી અને હેલ્થ ઇશ્યૂ ઉભા થવાના કારણે તેઓએ રાજીનામું આપી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ હજુ સુધી મ્યુનિ.કમિશનર આનંદ પટેલ દ્વારા તેઓનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનમાં એક પછી એક ઉચ્ચ અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે. હાલ માત્ર બે જ સિટી એન્જિનીંયર છે. જેમાં એક સ્પેશિયલ સિટી એન્જિનીંયર અલ્પના મિત્રા અને બીજા પરેશ અઢીયાનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા સિટી એન્જિનીંયર એચ.યુ.ડોડીયાએ પણ પારિવારિક જવાબદારીનું કારણ આપી રાજીનામું આપી દીધું હતું. આ ઉપરાંત ભાવેશ જોષી પણ કોર્પોરેશનમાંથી ફરજમુક્ત થઇ ગયા છે. ઇસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં હાલમાં ઇન્ચાર્જ સિટી એન્જિનીંયરથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ સિટી એન્જિનીંયરની એકમાત્ર પોસ્ટ છે. જેના પર અલ્પનાબેન મિત્રા ફરજ બજાવી રહ્યા છે. તેઓએ થોડા સમય પહેલા રાજીનામું આપી દીધું છે અને આગામી એક જૂનથી પોતાને ફરજમુક્ત કરવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. પારિવારિક જવાબદારીમાં વધારો થવાના કારણે અને અમૂક આરોગ્યલક્ષી સમસ્યા ઉભી થવાના કારણે તેઓએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા કોર્પોરેશનની લોબીમાં ચાલી રહી છે. તેઓનું રાજીનામું મ્યુનિ.કમિશનર દ્વારા હજુ સુધી મંજૂર કરવામાં આવ્યું નથી.
અલ્પનાબેન મિત્રા છેલ્લા 28 વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા સાથે જોડાયેલા છે. અગાઉ પાંચ વર્ષ તેઓ અન્ય સરકારી કચેરીમાં ફરજ બજાવતા હતા. તેઓ 33 વર્ષનો લાંબો સરકારી નોકરીનો અનુભવ ધરાવે છે. કોર્પોરેશનની અલગ-અલગ શાખામાં તેઓએ સ્પેશિયલ સિટી એન્જિનીંયર તરીકે સારી કામગીરી બજાવી છે. તેઓના જવાથી કોર્પોરેશનને બહુ મોટો ફર્ક પડશે. આમપણ ઉચ્ચ અધિકારીઓની કોર્પોરેશનમાં ઘટ્ટ છે. આવામાં જો વધુ એક ઉચ્ચ અધિકારીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવશે તો અનેક મહત્વપૂર્ણ કામગીરી પર અસર થાય તેવી ભીતી જણાઇ રહી છે.
હાલ એકમાત્ર ઇસ્ટ ઝોન કચેરીમાં જ નિયમિત સિટી એન્જિનીંયર તરીકે પરેશ અઢીયા ફરજ બજાવી રહ્યા છે. વેસ્ટ અને સેન્ટ્રલમાં ઇન્ચાર્જના હવાલે વહિવટ ચાલી રહ્યો છે. તાજેતરમાં મ્યુનિ.કમિશનર દ્વારા વોટર મેનેજમેન્ટ સેલની રચના કરવામાં આવી હતી. જેના વડા તરીકે પણ અલ્પનાબેન મિત્રાને જવાબદારી સોંપવામાં આવી હતી.