જન્મ પ્રમાણપત્ર, ફુડ લાયસન્સ, મિલ્કત નામફેર, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર કઢાવી આપવા યોજાયો સેવા સેતુ કાર્યક્રમ
આજે વોર્ડ નં.૭ના રહેવાસીઓ માટે કોટક સ્કુલ, મોટી ટાંકી ચોક ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જન્મ પ્રમાણપત્ર, ફુડ લાયસન્સ, મિલ્કત નામફેર, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, વરિષ્ઠ નાગરીક પ્રમાણપત્ર જેવી ૨૩ સેવાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, વોર્ડ નં.૭ ના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, અજયભાઇ પરમાર તેમજ અનીલભાઇ પારેખ વોર્ડ પ્રમુખ જીતુભાઇ સેલારા, મહામંત્રી રમેશભાઇ પંડયા, કીરીટ ગોહેલ તથા અનીલભાઇ લીંબડ, શિક્ષણ સમીતી ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને નવીનભાઇ ઠકકર ઉ૫સ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંગે ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે લોકોને પોતાના વ્યકિતગત સરકારી કામો માટે પોતાનો કામ ધંધો છોડી કચેરીઓના ધકકા ખાવા પડે છે જે ન થાય અને લોકોના પ્રશ્ર્નોનું નિરાકરણ થાય તેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ૨૩ જેટલી સેવાઓને આવરી લેવામાં આવી છે જેમાં લોકોને લગતી સરકારી યોજનાઓ આવરી લેવાઇ છે. કાર્યક્રમ આજે વોર્ડ નં.૭ ના રહેવાસીઓ માટે યોજાયો છે. આવી જ રીતે બધા જ વોર્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. વોર્ડ નં.૭ ના કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે જણાવ્યું હતું કે ગુજરાત રાજય તથા મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદેશ એ છે કે ગરીબ લોકોને આધાર કાર્ડ, ડ્રેનીજની સમસ્યા, વાત્સલ્ય કાર્ડ, આવકનો દાખલા માટે કચેરીના ધકકા ન ખાવા પડે ગરીબોના વિવિધ પ્રશ્ર્નોને સવારે ૯ કલાક થી ૧ કલાક સુધી સાંભળવામાં આવે છે તથા ત્યારબાદ બધા પ્રશ્ર્નોનું નિરાકરણ સ્થળ પર જ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવે છે. આ ઉમદા હેતુ ધરાવતા કાયક્રર્મના આયોજન બદલ હું ભાજપાની સરકાર તથા મહાનગરપાલીકાનો આભાર માનું છું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે જો કોઇ વ્યકિત અભણ હોય તો તેને માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે જેથી અભણ લોકોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને સરળતા રહે.